નેહરુનગરમાં બહેનપણીના ઘરે આવેલી યુવતીનું લીવરની બીમારી સબબ બેભાન હાલતમાં મોત
શહેરમાં નાના મવા મેઇન રોડ ઉપર નેહરુનગરમાં રહેતી બહેનપણીના ઘરે આંટો મારવા આવેલી યુવતી લીવરની બીમારીમાં સપડાયા બાદ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ આસામની વતની અને હાલ નાના મવા મેઇન રોડ ઉપર આવેલા નેહરુનગરમાં રહેતી શ્રેનીજીબેન સમ્યુમાલ મેક સણપા નામનો 25 વર્ષની યુવતી સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડી હતી.
યુવતીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં શ્રેનેજીબેન મૂળ આસામની વતની હતી અને હાલ અમદાવાદમાં નોકરી કરતી હતી. નેહરુનગરમાં રહેતી બહેનપણીના ઘરે 15 દિવસથી રોકાવા આવી હતી અને બે દિવસથી લીવરની બીમારીમાં સપડાયા બાદ બેભાન હાલતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં રહેતા ભાવેશભાઈ ગોવિંદભાઈ સોઢા (ઉ.વ.47) અને 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા ધીરજલાલ માધવજીભાઈ પરમાર (ઉ.વ.53) પોત પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નિપજતા બંને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.