ભીક્ષા માંગવાના બહાને ચોરી કરતી યુવતી ઝડપાઇ, પાંચ ચોરીના ભેદ ખુલ્યા
આજીડેમ વિસ્તાર, શાપર, નવાગામ અને સુરેન્દ્રનગરના ગુનાનો ભેદ ઉકેલાયો, 1.74 લાખનો મુદામાલ જપ્ત
પિતા રિક્ષા લઇ દૂર ઉભા રેહેતા, દીકરી ભીક્ષા માંગવાના બહાને દુકાનોમાંથી રોકડ તફડાવતી
રાજકોટ શહેરમાં અલગ અલગ બે સ્થળો પર તેમજ સુરેન્દ્રનગર અને શાપર વિસ્તારમાં દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી ચોરી કરનાર કાલાવડની યુવતીની એલસીબી ઝોન.1ની ટીમેં ઝડપી લીધી છે.આ ઘટનામાં પોલીસની પૂછપરછમાં પાંચ સ્થળ પર થયેલી ચોરીના ભેદ ખુલ્યા છે.આ ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવતી અને તેમના પિતા ચોરી કરવાના સ્થળે આવતા હતા અને પિતા થોડે દુર રીક્ષા રાખતા હતા અને પુત્રી ભીક્ષા માંગવના બહાને દુકાને જઈ વેપારીની નજર ચૂકવી પૈસા સેરવી લેતી હતી.
વધુ વિગત મુજબ ડિસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારની રાહબરીમાં એલસીબી પીએસઆઇ બી.વી.ચુડાસમા,એએસઆઈ મનરૂૂપગિરી ગૌસ્વામી,હરેશભાઈ પરમાર,હિતેશભાઈ પરમાર,જગદીશસિંહ પરમાર, રવિરાજભાઈ પટગીર અને ધર્મિષ્ઠાબેન જાદવ સહિતના સ્ટાફે બાતમીને આધારે આજીડેમ ચોકડી પાસે રવીવારી બજારમાંથી કાલાવડ રણુજા ચોકડી પાસે રહેતી અને વાળ વિણતી સપના બચુભાઇ ઉર્ફે જાડો ચાડમિયા(ઉ.24)ની ધરપકડ કરી હતી.આરોપી યુવતી પાસેથી 1.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ યુવતીએ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે,ગત તા.22/7ના રોજ સરધાર ગામે ખુલ્લી દુકાનમાંથી 2.25 લાખ રોકડની ચોરી કરી હતી.જે મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધી હતી.તેમજ નવાગામ ખાતે મેંગો માર્કેટમાં એક ઓફીસ માંથી 30 હજારની ચોરી કરી હતી.જે અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી.તેમજ આરોપી યુવતીએ સુરેન્દ્રનગર પાટડી ખાતે પણ ચોરી કરી હતી અને શાપર વેરાવળમાં એક ફુટવેરની દુકાને 1.50 લાખની ચોરી અને શાપરના ગેરેજમાંથી 20 હજારની ચોરી કરી હતી.આમ પોલીસે કુલ પાંચ ગુનાના ભેદ ઉકેલ્યા હતા.
આ ઘટનામાં પોલીસ સૂત્રોમાંથી માહિતી મળી હતી કે,સપના અને તેમના પિતા રીક્ષા લઇ આવતા અને સપના ભિક્ષા માંગવાના બહાને દુકાને જતી ત્યારે તેમના પિતા રીક્ષા લઇ ત્યાંથી દૂર ઉભા રહેતા હતા.યુવતી અગાઉ પણ ચોરીના ગુનામાં ઉના,મોરબી અને જેતપુરમાં પકડાઈ ચુકી છે.તેમજ હાલ પકડવાનો બાકી આરોપી બચુ ઉર્ફે જાડો અગાઉ જેતપુર,મોરબી,ઉના અને મોરબી તાલુકા વિસ્તારમાં ચોરી અને પ્રોહીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.