અમીન માર્ગ ઉપર કપડાંનો શો રૂમ ચલાવતી યુવતીને ભાગીદારે બેફામ ફટકારી
બે લાખ રૂપિયા રોકડા નહીં આપતા ઉશ્કેરાયેલા ચિરાગ ચંદારાણાએ માનેલી બહેનને રક્ષાબંધનના દિવસે જ પાંચ સેક્ધડમાં આઠ ફડાકા ઝીંકયા, સીસીટીવીમાં કંપારી છૂટી જાય તેવા દૃશ્યો
પોલીસે પણ ન્યાય આપવાના બદલે કલાકો સુધી યુવતીને ટોર્ચર કરી આરોપીની હાજરીમાં જ સમાધાન માટે દબાણ કર્યુ, કોલકાત્તાના નામે હાકોટા પાડતા શાસકોના ગાલે તમાચો મારતી રાજકોટની ઘટના
રાજકોટ શહેરના અમીનમાર્ગ પર કપડાનો શો રૂમ ચલાવતી એક માતા-પિતા વગરની યુવતીને તેના જ માનેલા ભાઇ એવા ભાગીદારે બે લાખ રૂપિયા બાબતે કપડાના શો રૂમમાં ગત તા.23 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવેસ જ બેફામ ફટકારી હતી અને સાંજે 4.56 કલાકે માત્ર પાંચ સેક્ધડમાં ધડાધડ આઠ ફડાકા ઝીંકી દીધા હતાં.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ સીસીટીવીના ફુટેજ વાયરલ થતાં જોનારાઓને પણ કંપારી છુટી જાય તેવા દ્રશ્યો જોવા મળે છે. સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે, કલકત્તામાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈ ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હાકોટા પાડી રહ્યાં છે પરંતુ રાજકોટમાં બનેલી આ ઘટના અંગે ભોગ બનનાર યુવતીની ફરિયાદ લેવામાં પણ પોલીસે ભારે નિષ્કાળજી દાખવી હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદ કરવા પહોંચેલી યુવતીને રીતસર દબાવવાના પ્રયાસો થયા હતા અને આરોપી યુવકની પણ અમારે ફરિયાદ નોંધવી પડશે તેવું જણાવી યુવતીને સમાધાન કરી લેવા જવાબદાર પોલીસ અધિકારીઓ દ્વારા દબાવવામાં આવી હતી. આ મામલે ભોગ બનનાર યુવતીએ મક્કમ રહી માલવીયા નગર પોલીસ મથકમાં તેના ભાગીદાર અને માનેલા ભાઇ સામે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી આ શખ્સની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, શહેરના અમીનમાર્ગ ઉપર રહેતી અને નજીકમાં જ કપડાનો શો રૂમ ચલાવતી યુવતીએ નોંધવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીગ્રામ કર્ણશ્ર્વર કોમ્પ્લેક્ષ 302માં રહેતા ચીરાગ જગદીશ ચંદારાણાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીએ ચીરાગને પોતાનો ભાઇ માનયો હોય, ચીરાગ અગાઉ બેન્કમાં નોકરી કરતો હોય પરંતુ તેની આર્થિક સ્થિતિ સારી ન હોય જેથી પગભર બનાવવા માટે આ યુવતીએ ચીરાગને વગર રોકાણ કરીએ ધંધામાં ભાગીદાર બનાવી શો રૂમમાં સાથે રાખ્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી બંન્ને વેપાર કરતા હતા. ભોગ બનનાર યુવતીના પિતા ન હોય, માતા અને બહેન સાથે રહેતી યુવતીએ પોતાના માનેલા ભાઇ ચીરાગ ચંદારાણાને પગભર કરવા માટે અલગ-અલગ કંપની સાથે કરાર કરી કપડાનો વેપાર શરૂ ર્ક્યો હોય અને જેમાં ચિરાગને નક્કી કરેલ ભાગ આપવાની તૈયારી બતાવી હતી. રક્ષાબંધનના દિવસે ચીરાગ શો રૂમે આવ્યો હતો અને તેણે 2 લાખ રૂપિયા રોકડા માગ્યા હતા. યુવતીએ આ રૂપિયા રોકાણ નહીં ચેકથી આપ્યાની તૈયારી બતાવી હતી.
જે બાબતે ચીરાગ ઉશ્કેરાઇ ગયો હતો અને તેને પોતાની માનેલી બહેનને રક્ષાબંધનના દિવસે જ બેફામ ફટકારી અત્યાચાર ગુજરાયો હતો.
આ મામલે યુવતીએ પોતાના મામા નિલેશભાઇ તથા પાડોશમાં રહેતા દંપતીને જાણ કરતા તેઓ શો રૂમ ખાતે દોડી આવ્યા હતા અને આ મામલે સમાધાન કરાવ્યું હતુ અને રક્ષાબંધનના દિવસે બનેલા બનાવમાં ભાઇ સામે બહેને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ત્યાર બાદ ગત તા.5/9ના રોજ ચીરાગ ચંદારાણાણે ફરીથી રોકાણ રકમની માંગણી કરી હતી. ઘર વપરાશ માટે રૂ.3લાખની જરૂર હોય માનેલી બહેનને પોતાના ભાઇ ચિરાગને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે ચીરાગ દુકાને આવ્યો હતો અને ચોપડાના હિસાબમાં ભૂલ છે.
તેમ કહીં ચીરાગે દુકાનમાં થતા તમામ ખર્ચ પોતાના જાતે ચોપડામાં લખી અને બોલાચાલી કરી ગાળાગળી કરી હતી. અવાર-નવાર ભાગના રૂપિયા બાબતે ચિરાગે પોતાની માનેલી બહેનને પરેશાન કરી ત્રાસ ગુજારતો હોય આ મામલે અંતે યુવતીએ પોલીસનું શરણ લીધુ હતું અને માલવીયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે ચિરાગ જગદીશ ચંદારાણા સામે ભારતીય ન્યાય સંહીતાની ક્લમ 115(2), 352, 351(3) મુજબ ગુનો નોંધી ચીરાગ ચંદારાણાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
સીસીટીવી જોનારાને કંપારી છૂટી જાય તેવા દૃશ્યો
અમીન માર્ગ ઉપર આવેલ કપડાના શો રૂમમાં રક્ષાબંધનના દિવસે બનેલી આ ઘટનાના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા છે જેમાં જનૂનપૂર્વક યુવક યુવતી ઉપર તુટી પડે છે અને માત્ર પાંચ સેક્ધડમાં જ ઉપરાછાપરી બેરહેમીથી યુવતીને આઠ ફડાકા ઝીંકી દઈ ભુંડા બોલી ગાળો ભાંડતો સંભળાય છે. આ સીસીટીવી ફુટેજના આધારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ધડો લઈ જવાબદાર આરોપી સામે કડક પગલાં ભરવાનો હુકમ કરે તેવી માંગણી ઉઠવા પામી છે. યુવતી માતા-પિતા વિહોણી અને નિરાધાર હોય જનુની આરોપી તેને પોલીસની ઓળખના જોરે ડરાવે ધમકાવે નહીં તે જોવાની જવાબદારી પણ સરકારની છે.
મહિલાની ફરિયાદ લેવામાં પોલીસે ક્લાકો રઝળાવી
અમીનમાર્ગ પર કપડાનો શો રૂમ ધરાવતી યુવતીને તેના માનેલા ભાઇએ રક્ષાબંધનના દિવસે હિસાબ બાબતે બેફામ ફટકારી હોય, ભાઇ સામે રક્ષાબંધનના દિવસે બનેલા બનાવની ફરિયાદ કરવાનું બહેનને ટાળ્યુ હતું અને ત્યાર બાદ ચીરાગ ચંદરાણાએ સતત માનસિક ત્રાસ આપતા યુવતી ગત તા.23/8ના રોજ પોલીસ કમિશનર કચેરીએ આ બાબતે ફરિયાદ માટે પહોંચી હતી. પરંતુ તેની હાલત બગડી જતા પોલીસ કમિશનર કચેરીમાં બેભાન થઇ ગઇ હતી અને સી.પી.કચેરીએથી 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ બાદ સમાધાનની વાત ચાલતી હોય જેથી કોઇ ફરિયાદ કરાઇ ન હતી. બાદમાં ગઇકાલે ફરી ચીરાગ ચંદારાણાએ ઝઘડો કરતા આ મામલે ડી.સી.પી.ઝોન-2 જગદીશ બાંગરવાને રૂબરૂ મળતા માલવીયા નગર પોલીસને ગુનો નોંધવા ડીસીપીએ હુકમ ર્ક્યો હતો. સાંજે 4 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી માલવીયા નગર પોલીસ મથકને યુવતીને બેસાડી રાખવામાં આવી હતી અને પોલીસે આ બાબતે સામસામી ફરિયાદની વાત કરતા યુવતી ગભરાઇ ગઇ હતી. કલાકો સુધી યુવતીને રઝળાવ્યા બાદ પોલીસ મથકમાં જ યુવતી બેભાન થઇ જતા 108ને બોલવામાં આવી હતી અને અંતે મોડી રાત્રે આ બાબતની પોલીસે ફરિયાદ નોંધી હતી.
સી.પી.ઓફિસ અને પોલીસ સ્ટેશનમાં ભારે ગભરાટ અને આઘાતના કારણે યુવતી બેભાન થઈ ગઈ
રાજકોટની આ ચોકાવનારી ઘટના બન્યા બાદ ગત તા.24નાં રોજ યુવતી અરજી લઈને પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી હતી. પરંતુ અરજી આપે તે પહેલા ગભરાટ અને આઘાતના કારણે યુવતી બેભાન થઈ જતાં 108 મારફત હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં યુવતી ફરિયાદ કરવા પહોંચી ત્યારે તેને ભયંકર ટોચર કરવામાં આવતાં ગભરાયેલી યુવતી વધુ એક વખત બેભાન થઈ ગઈ હતી અને ત્યાંથી પણ 108 મારફત સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવી પડી હતી. જો કે મોડી રાત્રે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. આરોપી પણ મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં હાજર હોવા છતાં પોલીસે તેની અટકાયત કરવાના બદલે સમાધાન માટે સતત યુવતી ઉપર દબાણ કર્યુ હતું.