ખંભાળિયાના હર્ષદપુર ગામની યુવતી, ઓખામાં માછીમારનો ભોગ લેતો હાર્ટએટેક
ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં રહેતી 21 વર્ષની એક અપરિણીત યુવતીને ગઈકાલે બપોરે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા નજીક આવેલા હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તાર સ્થિત હાપીવાડી ખાતે રહેતા હીનાબેન વનિતભાઈ નકુમ (ઉ.વ. 21) ગઈકાલે મંગળવારે તેમના ઘરે હતા, ત્યારે બપોરના સમયે તેણીને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા વનિતભાઈ માવજીભાઈ નકુમ (ઉ.વ. 52, રહે. હાપીવાડી) એ અહીંની પોલીસને કરી છે.
યુવાનનું હાર્ટ એટેકથી મોત
ઓખા મંડળમાં આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહીશ એવા નિલેશભાઈ નાનજુભાઈ જાદવ નામના 32 વર્ષના યુવાન ગઈકાલે મંગળવારના સમયે તેમની ઓખામાં તેમની મહાલક્ષ્મી નામની બોટમાં માછીમારી કરી રહ્યા હતા, ત્યારે તેમને છાતીમાં દુખાવો પડતાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવા અંગેનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ રાજેશભાઈ રઘુનાથભાઈ ટંડેલ (ઉ.વ. 45) એ ઓખા મરીન પોલીસને કરી છે.
યુવાનનો મૃતદેહ સાંપડ્યો
દ્વારકાથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલી દીવાદાંડી પાસેના દરિયામાં ગઈકાલે સાંજના સમયે એક મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. અહીંના દરિયામાં કોઈ અજાણ્યો વ્યક્તિ કોઈપણ રીતે દરિયામાં પડી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેનું પ્રાથમિક કારણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક રહીશ જીતેન્દ્રભાઈ કારડીયા (ઉ.વ. 53) ની નોંધ પરથી દ્વારકા પોલીસે હાલ આ બનાવ અંગે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસ શોધવા અંગે આગળની તપાસ પી.એસ.આઈ. રમેશભાઈ રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.