સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા
- દ્વારકાધીશના શરણે જતા પદયાત્રીઓની સેવામાં લાગી રાજકોટ પોલીસ, ભોજન: આરામ તેમજ તબીબી સુવિધા ઊભી કરી
સામાન્ય રીતે પોલીસનું નામ આવે એટલે લોકોના મનમાં ભય પેદા થાય છે. લોકો પોલીસથી દૂર ભાગે છે પરંતુ અહી પોલીસ પદયાત્રીઓની સેવા કરતી જોવા મળે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે દ્વારકા જવા માટે અલગ અલગ જિલ્લા અને વિસ્તારોમાંથી લોકો પગપાળા કાળીયા ઠાકોરના દર્શને જતાં હોય છે અને આ પદયાત્રીઓને કોઇ જ તકલીફ ના પડે તે માટે રાજકોટ શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયા, તાલુકા પોલીસના પીઆઇ ડી.એમ.હરિપરા અને પોલીસ પરિવાર દ્વારા પડયાત્રીઓ માટે કાલાવડ રોડ પર તાલુકા પોલીસ મથકની પાસે જ અનોખી સેવા ચાલુ કરી છે. દરેક પદયાત્રીઓને ખાવા-પીવા, ચા-પાણી નાસ્તાની તેમ જ રહેવાની સુવિધા પોલીસ કરી આપે છે. એટલું જ નહિ પરંતુ રાત્રે અકસ્માતને ટાળવા માટે પદયાત્રીઓના કપડાં અને માલસામાંન પર રેડિયમ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે.તેમજ રીફલેક્ટર જેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ગરમીથી બચવા ટોપીનું વિતરણ અને લીંબુ પાણી પણ આપવામાં આવી રહ્યું છે.પદયાત્રીઓને જરૂરિયાત મુજબની મેડિકલ સારવાર મળી રહે તે માટે કેમ્પ ખાતે એમ્બ્યુલન્સ તથા તબીબોની ટીમ પણ ત્યાં હાજર રાખવામાં આવી છે.અહીંયા પદ યાત્રીઓની દર વર્ષે આ સેવા કરવામાં આવે છે. પદયાત્રીઓ પણ પોલીસની આ સેવાથી ખુશ છે. મોટી ઉંમરના પર યાત્રીઓ કે જેને થાક લાગે છે, પગ દુખે છે એ લોકોના પગ પણ દાબી આપે છે.આ અનેરૂ દૃશ્ય છે કે જ્યાં પોલીસ દ્વારા વડીલોના પગ દબાવી આપવામાં આવે છે અને ભક્તોની સેવા દ્વારા ભગવાનની કૃપા મેળવાય છે.