ઝનાના હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ લક્ષણો સાથે ચોથો દર્દી દાખલ
પોરબંદરના રાણાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 4 વર્ષના બાળકને કરાયો દાખલ
શહેરની ઝનાના હોસ્પિટલમાં આજે વધુ એક ચાંદીપુરા વાઇરસનો શંકાસ્પદ કેસ આવતા અહી સારવાર લેતા દર્દીનો આંકડો 4 પર પહોંચ્યો છે. પોરબંદર પંથકના બાળ દર્દીને દાખલ કરવાની સાથે આરોગ્ય તંત્ર હરક્તમાં આવી ગયું છે.
રાજકોટ-શહેર-જિલ્લા વિસ્તારમાં અગાઉ 6 દર્દીઓનો ચાંદીપુરા વાઇરસે ભોગ લીધો છે. ત્યારથી આરોગ્ય તંત્ર સફાળાજાગી જઇને આ વાઇરસને નાથવા મેદાનમાં ઉતર્યુ હોવાનું કહેવાય છે.
બીજીબાજુ આજે પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના ગ્રામ્ય વિસ્તારનાં એક ચાર વર્ષના બાળકને ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયા બાદ ફરજ પરના તબીબોએ ત્વરીત સારવાર શરૂ કરી દેવાઇ છે.
ઝનાના હોસ્પિટલના તબીબોના જણાવ્યા પ્રમાણે અત્યારે ચાર બાળ દર્દીઓની ચાંદીપુરા વાઇરસનાં લક્ષણો સાથે સારવાર અપાઇ રહી છે. ચારેય ભય મુક્ત છે. પણ સારવાર ચાલું હોવાનું જણાવ્યું છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજકોટ-શહેર-જિલ્લા વિસ્તારમાં ચાંદીપુરા વાઇરસે અગાઉ 6 દર્દીઓનો ભોગ લીધો છે. રાજ્ય સ્તરે 38ના મોત થયાનું સરકાર તંત્રોના આંકડા જણાવે છે. વરસાદી વાતાવરણ વચ્ચે આ વાઇરસના સતત ફેલાવાથી આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે. શરદી, ઉધરસ, માથુ દુ:ખવું જેવી અસરોવાળા બાળકોને તાત્કાલિક દવાખાને ખસેડી વાલીઓએ બેદરકારીથી દુર રહેવા આરોગ્ય તંત્રએ તાકિદ કરી છે.