માંડા ડુંગરમાં શેરીમાં રમતા પોણા બે વર્ષના બાળક પર ટ્રક ફરી વળતા મોત
માડાડુંગર નજીક માધવવાટીકામાં શેરી નં.4માં ફઈના ઘર પાસે રમતા પોણે બે વર્ષના બાળકને મીનીટ્રકના ચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ નિપજયુ હતું.આ મામલે તેમના પિતા દ્વારા મીની ટ્રકના ચાલક વિરુદ્ધ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.મળતી વિગતો મુજબ,આજી ડેમ ચોકડી પાસે માનસરોવર મેઈન રોડ પર ભવાની કોમ્પલેક્ષમાં રહેતા અને મજૂરી કામ કરતાં ચેતનભાઈ બચુભાઈ વાળા (ઉ.વ.35)એ આ મામલે મીનીટ્રકના ચાલક બાબુ સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.ચેતનભાઈએ પોલીસને જણાવ્યું હતું કે,તેને સંતાનમાં પોણા બે વર્ષના પુત્ર ધીયાંશ અને 6 વર્ષની પુત્રી ધારા છે.
પત્ની કોમલબેન સિકયુરીટી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે તે મજુરી કામે અને પત્ની સિકયુરીટીમાં નોકરીએ ગઈ હતી. તેના માતા કાંતાબેન તેના બંને સંતાનો ધીયાંશ અને ધારાને લઈ માડાડુંગર પાસે માધવવાટીકા શેરી નં.4માં રહેતા બહેન રૂૂષીતાબેન મકવાણા કે જેના ઘરે આઠમાં નોરતાનું માતાજીની ગોયણી હોય જમણવાર હોવાથી ત્યાં ગયા હતા. ધીયાંશ તેના ફઈ રૂૂષીતાબેનના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે મીની ટ્રકના ચાલકે તેને હડફેટે લેતા ગંભીર ઈજા થતા સિવિલમાં ખસેડાયો હતો.જયાં તેનું મૃત્યુ નિપજયું હતું.હાલ આજીડેમ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.