બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજના લોકાર્પણની તૈયારીનો ધમધમાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દ્વારકા બેટ દ્વારકા નો કાર્યક્રમ નક્કી થયા મુજબ તારીખ 24 ના રાત્રી રોકાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા સર્કિટ હાઉસમાં કરશે તારીખ 25 ના દિને દ્વારકાધીશના દર્શન કરી બેટ-દ્વારકા ના સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુકશે. વડાપ્રધાનના આ કાર્યક્રમ માટે ગુજરાત રાજ્ય સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ તાડામાર તૈયારીઓ શરૂૂ કરી દીધી છે.
આજે સાંજે દ્વારકાના સર્કિટ હાઉસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા એ સ્થાનિક અધિકારીઓ -દ્વારકા પ્રાંત અધિકારી ભગોરા, દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર ઉદય નસીત, ડીવાયએસપી એસ.પી.પરમાર તથા ધારાસભ્ય પબુભા માણેકને સાથે રાખીને દ્વારકાના હોટલ એસોસિયન, વેપારી મંડળ અને એનજીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેકટર પંડ્યા ના જણાવ્યાઅનુસાર તારીખ 24 મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી નું રાત્રી રોકાણ દ્વારકા ખાતે હોય અને ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ ઉપર પ્રવાસનલક્ષી સુવિધા તેમજ શ્રીકૃષ્ણના શયનસ્થાન એવા બેટ -દ્વારકા ને ભૂમાર્ગે જોડતો સિગ્નેચર બ્રિજ ખુલ્લો મુકવાનો હોય ત્યારે વડાપ્રધાનના આગમન સાથે સમગ્ર દ્વારકા ક્ષેત્ર એક મહાઉત્સવ સાથે ઉપશી આવે તેવી તૈયારીઓ શરૂૂ કરવા અપીલ કરી હતી. કલેકટરે વડાપ્રધાનના કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવેલ કે તેઓ દ્વારકાધીશના દર્શન કરી દ્વારકા ખાતેના એનડીએચ હાઈસ્કૂલના વિસ્તાર ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને સંબોધન કરનાર છે.
આ કાર્યક્રમ દરમિયાન તારીખ 24 મી એ રાત્રિના રાજ્ય સરકાર, પાલિકા, હોટલ એસોસિએશન, વેપારી મંડળો, દ્વારકા તાલુકાની કચેરીઓ, જાહેર માર્ગો, પ્રવેશ દ્વારા, દ્વારકાધીશના દ્વારકા, બેટ-દ્વારકાના મંદિરો સહિતના મહત્વના સ્થળોએ રોશની થી ઝળહળતા કરવાની તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે અને સંસ્થાઓને ડેકોરેટિવ કરવા બેઠકોમાં અપીલ કરી હતી.આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ બેટ-દ્વારકા તથા દ્વારકા શહેરમાં આવેલ તમામ મિલકતો, બજારો, રહેણાંકો વિગેરેને પણ સુશોભિત કરવામાં આવનાર છે.
ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ, પ્રવાસન વિભાગના સચિવ તથા રાજ્યના અનેક અધિકારીઓ કાર્યક્રમની સુચારૂૂ વ્યવસ્થા અંગે દ્વારકા આવી રહ્યા છે આવતીકાલથી જ દ્વારકા શહેરમાં રખડતાં પશુઓને અન્યત્ર ખસેડવા અભિયાન હાથ ધરવામાં આવનાર છે ખાસ કરીને દ્વારકા શહેરમાં વિશેષ સફાઈ ઝુંબેશ પણ હાથ ધરાશે જે માટે બહારથી પણ સફાઈ કર્મીઓ આવનાર છે.વડાપ્રધાન મુલાકાતના પગલે કાયદો અને સુરક્ષા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાન્ડે અને રાજય પોલીસ વડાના માર્ગદર્શનમાં સુરક્ષાલક્ષી તૈયારીઓ શરૂૂ કરવામાં આવનાર છે.
ધારાસભ્ય પબુભા માણેકે દ્વારકા ક્ષેત્રના દ્વારકાથી ઓખા મીઠાપુર સુરજકરાડી આરંભડા અને બેટ દ્વારકામાં ઘરે ઘરે તા.24 મીએ દીપ પ્રાગટય કરવા માટે અપીલ કરી છે દ્વારકા શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ બુજડ દ્વારા પણ શહેર સંગઠનના હોદ્દેદારો,સદસ્યોની તથા પાલિકાના માજી સદસ્યોની ખાસ બેઠક બોલાવવામાં આવનાર છે.