ચોટીલામાં પોલીસ ગ્રાઉન્ડ નજીક આગથી મુદ્દામાલના વાહનો થયા ખાક
- બે બસ આગમાં ખાક: ડમ્પરના ટાયર બળી ગયા
ચોટીલા પોલીસ મથકનાં ગ્રાઉન્ડ નજીક કોઇ અગમ્ય કારણોસર આગ લાગ્યાનાં બનાવ બનતા દોડધામ મચી હતી અને પાલિકા ફાયર ટીમ આગ ઓલવવા દોડી ગયેલ હતી.
ચોટીલા પોલીસ મથકનાં ચોપડે મુદ્દામાલ તરીકે વર્ષોથી પડેલા વાહાનો પાસે કચરાનાં ગંજ ખડકાયા હતા જેમા કોઇ અગમ્ય કારણોસર આગ લાગેલ હોવાનું હાલ અનુમાન છે જે આગની જવાળા પલવારમાં જ તેની લપેટમાં મુદ્દામાલ પૈકીની બે મીની બસને લીધી હતી જેમા બસ ભડભડ સળગવા લાગી હતી જોતા જોતા બંન્ને બસો બળીને ખાક થઇ ગયેલ હતી તેમજ નજીક રહેલ એક ડમ્પરનાં ટાયરો પણ આ આગમાં સળગી ગયા હતા. મોડી સાંજ બાદ આગનો બનાવ બનતા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા બે ફાઇટર બંમ્બા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને દોઢેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો બે વાહાનો ભરખી લીધા હતા. આસપાસમાં રહેતા લોકો આગજનીને જોવા ટોળે વળ્યાં હતા ત્યારે આગ કચારાનાં ઢગલાઓને કારણે લાગી હોવાનું અનુમાન કરાય છે ત્યારે વાહનો જે સ્થળે આગ લાગી ત્યાં કેમ અને કેવી રીતે પહોચ્યાં? તે પણ એક સવાલ છે.