For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના જનરલ બોર્ડમાં અગ્નિકાંડ ધુણ્યું, વિપક્ષની હકાલપટ્ટી

04:06 PM Jul 18, 2024 IST | admin
મનપાના જનરલ બોર્ડમાં અગ્નિકાંડ ધુણ્યું  વિપક્ષની હકાલપટ્ટી

ઢંગધડા વગરના પ્રશ્ર્નોના જવાબ દરમિયાન કોંગ્રેસના વશરામ સાગઠિયાએ અગ્નિકાંડનો મુદ્દો ઉછાળતા બોલી સટ્ટાસટી

Advertisement

નરેન્દ્રભાઇ મોદી ત્રીજી વખત
વડાપ્રધાન બનતા શુભેચ્છા પાઠવાઈ

મેયરનું અપમાન કર્યાના આક્ષેપ કરી શાસક પક્ષે માર્શલ બોલાવી કોંગ્રેસના બન્ને સભ્યોને ધક્કા મારી બહાર કાઢ્યા

Advertisement

મહાનગરપાલિકાના જનરલબોર્ડમાં આ વખતે પણ ઢંગધડા વગરના પ્રશ્ર્નો સાથે શરૂઆત કરવામાં આવેલ તે દરમિયાન સમય બરબાદ થઈ રહ્યો છે તેવું જણાવી કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયાએ અગ્નિકાંડની ચર્ચા કરો તેવું કહેતા શાસકપક્ષના સભ્યો ઉકળી ઉઠ્યા હતાં. અને કોંગ્રેસના બેની સામે ભાજપના 66 સભ્યોએ તુતુ મેમે શરૂ કરતા જનરલબોર્ડ યુધ્ધ મેદાન બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. અને વશરામભાઈએ અધ્યક્ષના સ્થાને બેઠેલા મેયરને તમારી કેસટ બહુ સાંભલી તેવું કહેતા મેયરનું અપમાન કરાયું છે. તેવું બહાનું આગળ ધરી વિપક્ષના બન્ને સભ્યને ધક્કામારીને બોર્ડની બહાર કાઢવામાં આવ્યા હતાં. ત્યાર બાદ એજન્ડાની દરખાસ્તો મંજુર કરી બોર્ડ પૂર્ણ કરતી વેળાએ અગ્નિકાંડના સતગતોને બે મીનીટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી અને નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદે બિરાજતા તેમને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી શરૂ થતાં ભાજપના કોર્પોરટેર દ્વારા સરકાર દ્વારા આપવામાઁ આવેલી અલગ અલગ પ્રકારની ગ્રાન્ટો વિશે પ્રશ્ર્ન પુછવામાં આવેલ જેનો જવાબ કમિશનર દ્વારા આપવામાઁ આવી રહ્યો હતો. પરંતુ આ જવાબ દરમિયાન બોર્ડનો સમય પૂરો થઈ જશે તેવું લાગતા કોંગ્રેસી કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયાએ પ્રશ્ર્નોતરી વચ્ચે ઉભા થઈ અગ્નિકાંડની ચર્ચા કરો તેવું જણાવતા શાસકપક્ષના સભ્યો કાળઝાળ બની ગયા હતાં અને મહિલા સહિતના તમામ કોર્પોરેટરોએ વશરામભાઈને તેમનો વારો આવે ત્યારે બોલવાનું કહી ઝાટકી નાખ્યા હતાં. છતાં વશરામભાઈએ બોલવાનું ચાલુ રાખતા મેયરે પ્રશ્ર્ન ચાલુ રાખો તેવું કહેતા વસરામભાઈએ આ કેસેટ મે બહુ સાંભળી છે તે હવે બંધ કરો તેવું મેયરને જણાવતા શાસકપક્ષના સભ્યોએ આ મુદ્દે કાગારોળ મચાવી મેયરનું અપમાન સહન નહીં થાય તેમ કહી મહિલા કોર્પોરેટરોએ નારેબાજી કરી વશરામભાઈને બોર્ડમાંતી કાઢવામાં આવે તેમ જણાવતા મેયરના આદેશના પગલે માર્શલોએ બન્ને કોંગ્રેસી કોર્પોરેટરોને ધક્કા મારી જનરલબોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.

આજના જનરલ બોર્ડમાં પ્રથમ પ્રશ્ર્ન ભાજપના કોર્પોરટેરનો હોવાથી તેમના પ્રશ્ર્નનો જવાબ કમિશનર દ્વારા આપવાનું શરૂ કરાવેલ પરંતુ ભાજપના કોર્પોરેટરે પુછેલ પ્રશ્ર્ન સાથે પ્રજાને કઈ લેવા દેવા નથી તેવું કોંગ્રેસે જણાવ્યું હતું. કારણ કે, કોર્પોરેશનને સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે અને તે પૈસામાંથી વિકાસના કામો થતાં હોય છે. તે સૌકોઈ જાણે છે. છતાં ભાજપના મહિલા કોર્પોરેટરે ફક્ત બોર્ડનો સમય બરબાદ કરવા માટે આ પ્રશ્ર્ન પુછ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. અગ્નિકાંડનો મુદ્દોે છેલ્લા બે માસથી સળગી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ પણ મોકો જોઈને જણાવેલ કે, તમને લોકોનીચિંતા નથી તમારા પાપે અગ્નિકાંડ થયો છે. અને ચર્ચા કરવા માટે અમને સમય આપો તેવું કહેતા ભાજપના તમામ કોર્પોરેટરોએ વિરોધ સાથે કોંગ્રેસના બન્ને સભ્યોને બોલતા બંધ કરવાની કોશિષ કરી હતી. એક કલાકના બોર્ડના સમય દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ સામસામા આક્ષેપ સાથે તડાપીટ બોલાવી આ વખતે પણ સમય બરબાદ કરવાનું કામ કર્યુ હતું.

મનપાના જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી અને માથાકુટ પૂર્ણ થયા બાદ એજન્ડાની દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જેમાં નાનામૌવા ખાતે મનપાએ વેચેલ 110 કરોડના પ્લોટની ફાળવણી રદ કરવા તેમજ સીધી ભરતી અને બઢતીથી નિયુક્ત થયેલા કર્મચારીને છઠ્ઠા પગાર પંચ મુજબ થતી વિસંગતતા દૂર કરવા તથા માર્કેટ શાખામાં કાયમી સ્ટાફનું સેટપ ઉભુ કરવા, વોર્ડ નં. 12માં રામનગર વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવા, કડિયાનાકાથી નજીકના વિસ્તારમા શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા તેમજ સામાનય સભા સ્થાઈ સમિતિ અને ખાસ સમીતીની કાર્યવાહી સબંધી નિયમોમાં જરૂરી સુધારા-વધારા કરવા સ્વાતી પાર્ક સાત રસ્તા પર આવેલ ચોકનું બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ચોક નામાકરણ કરવા, કોઠારિયા મેઈન રોડ ઉપર કેદારનાથ સોસાયટી મેઈન રોડ ઉપરનું કુકાભાઈ નનાભાઈ લાવડિયા માર્ગ નામકરણ કરવા અને ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા તથા ચીફ ફાયર ઓફિસર ઈલેશ કુમાર વાલાભાઈ ખેરને ફરજમાંથી સસ્પેન્ડ કરવા સહિતની 10 દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.

ક્યા મોઢે વિકાસની વાત કરો છો: જયમીન ઠાકર
જનરલ બોર્ડના ભાજપ અને કોંગ્રેસના સભ્યો એક બીજા ઉપર આક્ષેપ કરી રહ્યા હ તાં અને કોંગ્રેસ દ્વારા પ્રજાના કામો અને વિકાસ મુદ્દે ચર્ચા કરવી જોઈએ તેવું જણાવતા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે ઉભા થઈને વિપક્ષને ખખડાવી જણાવેલ કે, વિપક્ષમાં હવે બે જણા જ રહ્યા છો તો લોકોના કામની વાતોમાં વિક્ષેપ ન કરો અને કોંગ્રેસ ક્યા મોઢે વિકાસની વાતો કરે છે. તેમને પણ લોકોએ ચાન્સ આપ્યો હતો. પરંતુ રાજકીય સ્ટંટ બાજીમાં સમય બરબાદ કરી નાખ્યો જેનો જવાબ પણ લોકોએ આપી દીધો છે. આથી વિકાસના કામમાં રોડા નાખવાનું બંધ કરે.

કોંગ્રેસના શાસનમાં કેટલા કૌભાંડો થયા: સુરેન્દ્રસિંહ વાળા
જનરલ બોર્ડમાં ધમાસાણ વખતે પૂર્વ દંડક સુરેન્દ્રસિંહ વાડાએ ભાજપ પર થયેલા આક્ષેપોનો બચાવ કરી જણાવેલ કે, કોંગ્રેસને શાસન કરવાનો મોકો પ્રજાએ આપ્યો હતો. ત્યારે કોંગ્રેસે મહાનગરપાલિકામાં પણ અનેક કૌભાંડો કર્યા છે. જ્યારે કેન્દ્રમાં એન રાજ્યમાં પણ તેમની સરકાર હતી તે દરમિયાન કરોડોના કૌભાંડો થયાછે. તે વિશે વિપક્ષ કેમ ચુપ છે.

પ્રેક્ષકો માટે પ્રવેશ પાસ ફરજિયાત બનાવાયો
મનપાના જનરલ બોર્ડમાં અગાઉ પ્રેક્ષક ગેલેરી માટેના હળવા નિયમો હતાં જેમાં સુધારા કરી હવે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભાની દરેક મિટીંગ સભાગૃહના પ્રેક્ષક કક્ષની બેઠક સંખ્યાની મર્યાદામાં જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે. સભામાં પ્રવેશ મેળવવા માટે = વખતોવખત અમલમાં હોય તેવું નિયત પત્રક સભાના 01(એક) કલાક અગાઉ મ્યુનિસિપલ સેક્રેટરી પાસેથી મળી શકશે. જે પત્રકમાં અરજદારે પોતાનું પુરૂૂ નામ, સરનામું, સંપર્ક નંબર - સહિતની વિગતો ભરી, પોતાની ફોટો આઇડેન્ટિટી દર્શાવતા સરકારી ઓળખપત્રની સ્વપ્રમાણિત - નકલ નિયત પત્રક સાથે જોડી તેમજ અરજદારની ઓળખ આપનારની ફોટો આઇડેન્ટિટી દર્શાવતા સરકારી ઓળખપત્રની સ્વપ્રમાણિત નકલ સહિતનું અથવા કોર્પોરેટરની વિગતો સહિતનું પત્રક, પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ મેળવતા પહેલા જમા કરાવવાનું રહેશે. અરજદારે પોતાની અસલ ફોટો આઇડેન્ટિટી પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ મેળવતી વખતે પોતાની સાથે રાખવાની રહેશે.

પ્રેક્ષક ગેલેરીમાં ભાજપના કાર્યકરો અગાઉથી ગોઠવાઈ ગયા

આવા તો પત્તર ખાંડયા કરે: પૂર્વ શાસકપક્ષ નેતા વિનુભાઈ ધવા

તમારા પાપે અગ્નિકાંડ થયો છે : વશરામ સાગઠિયા
આજના જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ અગ્નિકાંડ મુદ્દે શાસકપક્ષને ભીડવવાનું નક્કી કર્યુ હોય તેમ બોર્ડની પ્રશ્ર્નોતરી દરમિયાન વચ્ચેથી ઉભા થઈને જોરદાર આક્ષેપો કરી શાસકપક્ષના તમામ સભ્યોને જણાવ્યું હતું. કે, તમારા પાપે અગ્નિકાંડ થયો છે. જો તમે સાચા હોવ તો છાતી પર હાથ મુકીને બોલો તો હું આ મુદ્દે ચર્ચા નહીં કરું પરંતુ ભ્રષ્ટાચાર કેટલો થયો તેનો જવાબ અમને જનરલ બોર્ડમાં જણાવો તમારે લોકોને નાક જ નથી 27 જણાનો ભોગ લઈને બેઠા છો છતાં અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવાનું ટાળી રહ્યા છો અને અમે ચાર જ છીએ તેમ કહી દબાવવાની કોશીષ કરો છો પરંતુ અમે ચાર અત્યારે તો તમારા કાંધિયા જેવા બનીને બોર્ડમાં આવ્યા છીએ તેવું કહી શાસકપક્ષનો ઉધડો લઈ લીધો હતો.

રોજકામની બુક જોવા અરજદારોને હવે 2000નો ચાંદલો
રાજકોટ મહાનગરપાલિકામાં ખાસ સમીતીઓના રોજકામની બુક ઓફિસ સમય દરમિયાન સભ્યને ચાર્જ ભર્યાવિના જોવા મળતી હતી તેમજ અન્ય અરજદારે પ્રત્યેક કલાકના 50 પૈસા ફી ભરી રોજકામની બુક જોઈ શકતા હતાં. આથી રોજકામની વિગતો સસ્તામાં બહાર ન જઈ શકે તે માટે હવે ખાસ સમિતિઓના રોજકામની બુક જોવા માટે કોઇ પણ સભ્યને મહાનગરપાલિકાના સેકેટરી વિભાગમાં કચેરી કામકાજના સમય દરમ્યાન કોઇ પણ યોગ્ય સમયે ચાર્જ ભર્યા વિના જોવા માટે ખુલ્લી રખાશે. અન્ય વ્યક્તિને પ્રત્યેક કલાકના રૂૂ.2000/-(અંકે રૂૂપિયા બે હજાર પુરા) ફી ભરવાની રહેશે. પરંતુ રોજકામની કાયદા વિષયક બાબતો સભ્ય સિવાય અન્ય કોઇ વ્યકિત માટે ખુલ્લી -રખાશે નહી.

ત્રણ સમિતિઓના ચેરમેનોની નિમણૂક
રાજકોટ મહાનગરપાલિકાની કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન શ્રીમતી દેવુબેન મનસુખભાઇ જાદવએ કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન તથા સભ્યના હોદા પરથી તેમજ શ્રીમતી વજીબેન કવાભાઈ ગોલતરએ રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ સમિતિ તથા શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક સમિતિના સભ્યના હોદા પરથી રાજીનામું આપતા, કાયદો અને નિયમોની સમિતિના સભ્યની ખાલી પડેલ જગ્યા પર બાકી રહેતી મુદ્દત માટે સભ્ય શ્રીમતિ કકુબેન કાનાભાઈ ઉઘરેજાને તેમજ વોટર વર્કસ સમિતિ તથા શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક સમિતિના સભ્યની ખાલી પડેલ જગ્યા પર બાકી રહેતી મુદ્દત માટે સભ્ય શ્રીમતિ દક્ષાબેન નટુભાઇ વાઘેલાને નિયુક્ત કરવાનું મંજુર કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement