કોઠારિયા સોલવન્ટમાં દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર ઝડપાયો
- યુ.પી.ના શખ્સે 15 દિવસથી ભાડે દુકાન રાખી જનતા પ્રાથમિક ચિકિત્સા સેવાનું બોર્ડ લગાવી દીધું’તું: દવા, ઈન્જેકશનો મળી રૂા.16481નો મુદ્દામાલ કબજે
શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં શિતળાધાર 25 વારીયામાં દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં નકલી ડોકટરને પોલીસે ઝડપી પાડયો હતો. યુ.પી.નો શખ્સ 15 દિવસથી ભાડે દુકાન રાખી જનતા પ્રાથમિક ચિકિત્સા સેવાનું બોર્ડ લગાવી દીધું હતું.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન હેડકોન્સ. કૃણાલસિંહ ઝાલા અને કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજાનેબાતમી મળી હતી કે શિતળાધારમાં રમીઝ મુનીર નામનો શખ્સ બીનયભાઇ ભૈયાજીની દૂકાનમાં પ્રાથમિક ચિકીત્સા સેવા નામના બોર્ડવાળુ ક્લીનક ખોલીને બેઠો છે અને તેની પાસે કોઇપણ જાતની ડીગ્રી નથી. જેથી પોલીસે દરોડો પાડતાં લોખંડના શટરવાળી દૂકાનમાં અંદર ખુરશી પર એક શખ્સ ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને બેઠેલો જોવા મળ્યો હતો. ટેબલ પર અલગ અલગ દવા અને ઇન્જેક્શન હતાં. ખુરશીની પાછળ પરદા પાછળ લાકડાની સેટી ગોઠવેલી હતી. જેના પર દર્દીને સુવડાવવાની વ્યવસ્થા હતી.
આ શખ્સની પુછતાછ કરતાં પોતાનું નામ મોહમ્મદ રમીઝખાન મુનીરખાન (ઉ.વ.24-રહે. રોલેક્ષ રોડ ગંગાસાગર બોરવેલવાળી શેરી, શીવ ગીયર કારખાનાની ઉપરની ઓરડીમાં, મુળ લોનાવા દરગાહ, યુપી) જણાવ્યું હતું. તેની પાસે કોઇ ડીગ્રી કે સર્ટીફિકેટ નહિ હોવાનું જણાવ્યું હતું. જો કે તેણે એક નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (હરિયાણા) લખેલુ સર્ટી રજુ કર્યુ હતું. જે ગુજરાત મેડિકલ કાઉન્સીલમાં વૈધક વ્યવસાયી તરીકે રજીસ્ટ્રેશન ધરાવતું ન હોઇ આ શખ્સ વિરૂૂધ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક્ટની કલમ 30 મુજબ ડીગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેકટીસ કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.પોલીસે દવાખાનામાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન મળી રૂા. 16481નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. યુ.પી.નો શખાસ 15 દિવસથી દવાખાનુ ખોલી બેસી ગયાનું રટણ કર્યુ હતું.