જેતપુર રબારિકા ચોકડી પાસે ટ્રકની ઠોકરે બાઈક ચડી જતાં કારખાનેદારનું મોત
રાજકોટ જિલ્લાના ધોરી માર્ગ પર સર્જાતા જીવલેણ અકસ્માતોની હારમાળામાં જેતપુર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બેંકમાંથી પૈસા ઉપાડીને કારખાને જવા નીકળેલા કારખાનેદાર યુવાનનું ટ્રકની ઠોકરે ચડી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુરમાં રહેતા અને સામાકાંઠા વિસ્તારમાં રબારીકા રોડ પર હની ટેક્ષટાઈલ્સ નામનુંસાડીનું ભાગીદારીમાં કારખાનું ધરાવતાં અંકીતભાઈ પટેલ (ઉ.24) ગત તા.31-1-2024ના બેંકેથી પૈસા ઉપાડી પોતાના કારખાને જવા નીકળ્યા હતાં.
દરમિયાન રબારીકા ચોકડી પાસે પૂર ઝડપે આવતાં ટ્રકે બાઈકને હડફેટે લેતાં અંકીતભાઈ પટેલને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ માથામાં થયેલી ગંભીર ઈજાના કારણે તેમનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ભાગીદાર પિયુષ ગીરધરભાઈ ગોંડલીયા (ઉ.37)ની ફરિયાદપરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવાન ત્રણ બહેનનો એકનો એક ભાઈ હોવાનું અને સંતાનમાં એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારનો મોભી છીનવાઈ જતાં ભારે કલ્પાંત સર્જાયો હતો.