જુગારમાં હારી ગયેલા ડ્રાઇવરે શેઠના ઘરેથી 3 લાખના દાગીના ચોરી કર્યા
15 દિવસ પૂર્વે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બનેલા બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ખુલ્યો: ડ્રાઇવરને ઝડપી લેતી ક્રાંઇમ બ્રાંચ
શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બસંત બહાર એપાર્ટમેન્ટમાં રહેતા વેપારીના ઘરમાં થયેલી ત્રણ લાખના દાગીનાની ચોરી અંગે તેના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં ક્રાંઇમ બ્રાંચે ડ્રાઇવરની ધરપકડ કરી પૂછપરછ કરતા જુગારમાં મોટી રક્મ હારી ગયા બાદ દેણું ચુકવવા માટે પોતાના જ શેઠના મકાનમાં ચોરી કરી દાગીના સોની વેપારીને વેંચી નાખ્યાની કબૂલાત આપી છે.
બનાવની મળતી વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડના બસંત બહાર એપાર્ટમેન્ટ પાસે રહેતા અને બિઝનેસ કરતા હીરલ યોગેશભાઇ શાહ (ઉ.વ.40)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે 7 માસ પૂર્વે ડ્રાઇવર તરીકે નોકરીએ રહેલા વિનોદ નથાલાલ મકવાણાનું નામ આપ્યુ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતાના બિઝનેસના કામ ઉપરાંત માતા-પિતા અને બાળકોને ઘરે લેવા મૂકવા તથા અન્ય ઘરના કામ માટે સાત મહિના પહેલા જ વિનોદ મકવાણાને ડ્રાઇવર તરીકે નોકરીએ રાખ્યો હોય. ગત તા.25/6ના રોજ પોતાના ઘરે કબાટમાં જૂના દાગીના તપાસ કરતા તે દાગીના મળી આવેલ ન હતા. ગત તા.8/6ના રોજ આ દાગીનાનું પાર્સ કબાટમાં રાખ્યું હોય જે ચોરી થયું હોય જેમાં આશારે 3 લાખના કિમંતના સોનાના દાગીના હતા.
આ બાબતે પરિવારને જાણ કરી હતી અને ત્યાર બાદ ડ્રાઇવર વિનોદ નોકરીએ નહીં આવતા બીજા દિવસે તેને ફોન કરી બોલવ્યો હતો. ઘરે આવેલા વિનોદ મકવાણાને દાગીના બાબતે પૂછપરછ કરતા તેણે આ દાગીના ચોરી કર્યાનું કબૂલ્યો હતો અને સોનાના દાગીનના રૂપિયા આપી દેવાની વાત કરી હતી. પરંતુ વિનોદ મકવાણાએ બનાવના 15 દિવસ બાદ પણ રૂપિયા નહીં આપતા માલવીયા નગર પોલીસમાં આ બાબતે હિરલ શાહે ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે ક્રાંઇમ બ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલિયા અને પીએસઆઇ એ.એસ.ગરચર અને તેમની ટીમે તપાસ કરતા આ ચોરીમાં સંડોવાયેલ વિનોદ મકવાણાને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન વિનોદે જુગારમાં મોટી રક્મ હારી જતા દેણું થઇ જતા દેણું ચોક્વા માટે આ ચોરી કર્યાનું કબૂલ્યું હતું.