રાજકોટમાં સેલ્ફીના ચક્કરમાં તબીબે જીવ ગુમાવ્યો
મોટાવડા ગામે ફાર્મહાઉસમાં વોકિંગ દરમિયાન સેલ્ફી લેવા જતાં ચેક ડેમમાં ડૂબી ગયા
રાજકોટના શ્રમજીવી સોસાયટી મેઈન રોડ પર મુકબંધીરોની સ્કૂલ પાસે મંત્રમ મકાનમાં રહેતા 71 વર્ષિય તબીબનું રાજકોટની ભાગોળે લોધિકા પાસે આવેલ મોટાવડા ગામની સીમમાં વોકીંગ વખતે ચેક ડેમ પાસે સેલ્ફી લેવા જતાં પગ લપસી જવાથી ચેક ડેમમાં ડૂબી જવાથી મોત થયું હતું.
પરિવાર સાથે ગયેલા તબીબ વોકીંગમાં ગયા બાદ પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરતા ચેક ડેમમાં ડૂબી ગયાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાથી તબીબ જગતમાં ભારે શોક વ્યાપી ગયો છે. સેલ્ફીના ચક્કરમાં 71 વર્ષના તબીબે જીવ ગુમાવ્યો હતો. આ બાબતે મૃતકના તબીબ પુત્રએ પણ મીડિયા સમક્ષ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે આ મામલે પોલીસે બનાવ અંગેની સત્ય હકીકત જણાવી હતી.
મળતી વિગત મુજબ શ્રમજીવી સોસાયટી ઢેબર રોડ પર મુકબંધીરોની સ્કૂલ પાસે મંત્રમ નામના મકાનમાં રહેતા ડો.જયેશભાઈ હેમરાજભાઈ ભૂત (ઉ.71) રાજકોટની ભાગોળે લોધિકા નજીક મોટાવડા ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ પરિવાર સાથે ગયા હતાં.
ડોકટર જયેશભાઈ ભૂત સાથે તેમનો તબીબ પુત્ર ડો.દર્શિત સહિતના પરિવારજનો ફાર્મ હાઉસે હતાં અને તબીબ વાડીએથી સાંજે વોકીંગમાં નીકળ્યા હતાં. મોડે સુધી ડોકટર જયેશભાઈ પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરતાં મોટાવડા ફાર્મ હાઉસ નજીક ચેક ડેમમાં ડોકટર જયેશ ભૂત ડૂબી ગયા હોવાનું જાણવા મળતા તેમને તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતાં અને સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ પરંતુ સારવાર મળે તે પૂર્વે જ ડોકટર જયેશ ભૂતનું મોત થયું હતું. બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતાં લોધિકા પોલીસ રાજકોટ દોડી આવી હતી અને આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક જયેશભાઈ ભૂતને સંતાનમાં બે પુત્રો છે જેમાં મોટો પુત્ર પણ તબીબ હોય ડોકટર દર્શિત ભૂત સાથે પિતાના મોત અંગે વાતચીત કરતાં તેમણે આ બાબતે કશુ જાણતા ન હોવાનું જણાવ્યું હતું.
આ મામલે લોધિકા પોલીસે જણાવ્યું હતું કે, પરિવાર સાથે ફાર્મહાઉસે ગયેલા ડોકટર જયેશ ભૂત સાંજે વોકીંગમાં નીકળ્યા બાદ નજીકમાં આવેલા ચેક ડેમ ઉપર ચાલીને જતાં હતાં અને પોતે સેલ્ફી લેવા માટે ગયા ત્યારે અકસ્માતે પગ લપસી જતાં ડોકટર જયેશ ભૂત ચેક ડેમમાં પડયા હતાં અને ઉંડા પાણીમાં ગરક થઈ જતાં તેમનું મોત થયું હતું. આ ઘટનાથી મૃતકના પરિવાર અને તબીબ જગતમાં ભારે શોક વ્યાપી ગયો હતો.