ભચાઉના ચોબારી ગામે લગ્નના ચાર મહિના બાદ દંપતીનો સજોડે આપઘાત
સીમ વિસ્તારમાં ઝાડમાં બંન્નેની લટકતી લાશ મળી: કારણ જાણવા તપાસ શરૂ
વાગડ વિસ્તારના ચોબારી ગામના સિમ વિસ્તારમાં આજે એક દંપતીની ઝાડમાં સજોડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. ભચાઉ પોલીસે હાલ અગમ્ય કારણોસર આત્મહત્યાના બનાવ હેઠળ ગુનાની તપાસ હાથ ધરી છે. ઘટના બે દિવસ પહેલા બની હોવાથી દંપતીના મૃતદેહો કોહવાઈ જતા સચોટ પોસમોર્ટમના રિપોર્ટ માટે બન્નેના મૃતદેહોને જામનગર મોકલવામાં આવશે. શ્રમજીવી પરિવારના હતભાગી બંનેના લગ્ન માત્ર ચાર માસ પૂર્વે ચૈત્ર માસમાં થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ આજે રવિવાર બપોરે થતા પોલીસે મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ચોબારી આઉટ પોસ્ટના જમાદાર આનંદ ભટ્ટ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે 25 વર્ષીય હનાબેન અને 28 વર્ષીય તેના પતિ ખીમજી અણદા કોલીના આજે ગામના સિમ નિર્જન સિમ વિસ્તારમાંથી કપડાં વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. બન્નેના મૃતદેહ કખવાયેલી હાલતમાં જોવા મળતા ઘટના બે ત્રણ દિવસ પહેલાની હોવાનું તારણ સામે આવી રહ્યું છે. મૃત્યુનું કારણ જાણવા બન્નેના મૃતદેહોને જામનગર ફોફેન્સીક લેબ ખાતે મોકલવામાં આવશે. હાલ આત્મહત્યાની રૂૂહે તપાસ હાથ ધરવામાં આવી છે.
દરમિયાન હતભાગી ખીમજી કોલીના નાના ભાઈ દેવજી કોલીનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે ચોબારી ના હંગામી આવાસ ખાતે અલગ અલગ ઝુંપડા બાંધી શ્રમકાર્ય સાથે જીડાયેલા છીએ. મોટા ભાઈના ચાર માસ પહેલાજ ભચાઉ ખાતે લગ્ન લેવાયા હતા. બન્ને જણ બે દિવસ પહેલા દરણું દળાવવા સાથે બહાર જતા જોવા મળ્યા હતા, ત્યારબાદ જોવા ના મળતા મોબાઈલ ફોન ઉપર કોલ કરતા ફોન બંધ મળ્યો હતો. બે દિવસ જોવા ના મળતા કોઈ સ્થળે કામથી બહાર ગયા હશે એવું માની લીધું હતું, ત્યાં બપોરે જાણ થઈ કે બન્ને જણાએ ઝાડમાં લટકી ગળેફાંસો ખાઈ લીધો છે.