લખતર પોલીસમાં દારૂના ગુનામાં નામ ન ખોલવાના રૂ.50 હજારની લાંચ સ્વીકારતા કોન્સ્ટેબલ પકડાયો
સુરેન્દ્રનગરના લખતર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને 50 હજાર રૂૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ રંગેહાથ ઝડપ્યો હતો. મળતી જાણકારી અનુસાર લખતર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સરદારસિંહ પરમાર 50 હજાર રૂૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.
આ કોન્સ્ટેબલ સરદારસિંહ પરમારે પ્રોહિબિશનના એક ગુનામાં ફરિયાદીનું નામ ના ખોલવાના બદલામાં દોઢ લાખ રૂૂપિયાની લાંચની માંગણી કરી હતી.જોકે બંન્ને વચ્ચે રકઝક બાદ અંતે 60 હજાર રૂપિયામાં કોન્સ્ટેબલ સરદારસિંહ માન્યો હતો. ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાના કારણે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. વાસ્તવમાં ફરિયાદીના મિત્રને ત્યાં લખતર પોલીસે દારૂૂની માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. આ સમયે ફરિયાદીનો મિત્ર સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.
જેના આધારે મોરબી એસીબીના પીએસઆઈ એચ.એમ.રાણા અને સ્ટાફે લખતર પોલીસ સ્ટેશનમાં ટ્રેપ કરી 50 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલ સરદાર સિંહ પરમારને ઝડપી પાડ્યો હતો. એસીબીની આ કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એસીબી ટીમે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.