જર્જરિત શાકમાર્કેટ ખાલી કરાવવા મુદ્દે કોંગી કોર્પોરેટરની મહાપાલિકામાં તડાપીટ
જામનગર ની દાયકાઓ જૂની મુખ્ય શાક માર્કેટ જર્જરિત હાલત માં હોવાથી અકસ્માત નો ભય હોય તેને કારણે આ શાક માર્કેટ ખાલી કરી નાખવા મહાનગરપાલિકા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેથી વેપારીઓમાં ભારે દોડધામ થઈ છે. આ મુદ્દે આજે વેપારીઓ દ્વારા કોંગ્રેસના કોર્પોરેટર ની આગેવાનીમાં મહાનગરપાલિકામાં અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ભારે ગરમા ગરમી થઇ હતી.
જામનગર મહાનગરપાલિકાની રાજાશાહી વખતની મુખ્ય શાક માર્કેટ અત્યંત જર્જરીત હાલત માં છે. જેમાં ગમે ત્યારે કોઈપણ હિસ્સો તૂટી પડે તો શાકભાજી વિક્રેતાઓ ને નુકશાન થઈ શકે છે. આથી જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે તમામ વેપારીઓને શાકમાર્કેટ ખાલી કરી નાખવા અને ત્યાંથી દૂર ખસી જવા ની સૂચના આપવામાં આવી હતી.
બીજી તરફ શાક માર્કેટના વેપારીઓ આજે કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ની આગેવાની હેઠળ મહાનગરપાલિકાના નાયબ કમિશનર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા. જ્યાં કોર્પોરેટર દ્વારા ઉગ્ર સ્વરૂૂપે રજૂઆત કરવામાં આવી હતી. અને શાકભાજી વેચનારાઑ ક્યાં જાય ? તેઓ ને જગ્યા ખાલી નહિં કરાવવા પણ ઊગ્ર રજૂઆત કરાઈ હતી. તેમજ વેપારીઓ દ્વારા પણ વૈકલ્પિક વ્યવસ્થા માટેની માંગણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બે દિવસની મુદત અપાઇ છે, ત્યાં સુધી વેપારીઓએ શાક માર્કેટ માં નહિ જવા સૂચના પણ અપાઇ છે શુક્રવાર પછી મહાનગરપાલિકા જર્જરીત માર્કેટ નો હિસ્સો તોડી પાડે, તેમ જાણવા મળી રહ્યું છે.