For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એન્જિનિયર પર હુમલા પ્રકરણમાં કોન્ટ્રાક્ટર સહિત 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

12:25 PM Aug 09, 2024 IST | Bhumika
એન્જિનિયર પર હુમલા પ્રકરણમાં કોન્ટ્રાક્ટર સહિત 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
Advertisement

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પંચાયતના એક ઈજનેર પર કોન્ટ્રાક્ટર પાર્ટી દ્વારા હીચકારો હુમલો થયાના પ્રકરણના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે. ઈજનેરો દ્વારા સત્તાવાળાઓને આવેદન આપવામાં આવ્યું છે અને ઈજનેર પરનો હુમલો હત્યાનો પ્રયાસ હતો એમ જણાવીને ધ્રોલ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામ નજીક ઈટાળા-રાજપુર-સુમરા રોડ પર જિલ્લા પંચાયત, જામનગરના ધ્રોલ વિભાગ હસ્તક એક માઈનોર બ્રિજનું કામ ચાલી રહ્યું હોય, ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર નિલરાજસિંહ પરબતસિંહ બારડ આ કામની સાઈટ વિઝિટ માટે ગયા હતાં અને કોન્ટ્રાક્ટર પાર્ટી જૂનાગઢની સ્વસ્તિક ક્ધસ્ટ્રક્શનને જણાવ્યું હતું કે, બ્રિજના કામમાં નિયમ મુજબ સિમેન્ટનો ઉપયોગ કરવાનો રહેશે અને સારૂૂં કામ કરવા કોન્ટ્રાક્ટરને સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓ કોન્ટ્રાક્ટર પાર્ટીને પસંદ ન પડતાં અમિત ઝાલા નામના શખ્સે ઈજનેર સાથે બોલાચાલી કરી, ગાળો ભાંડી હતી અને તને મારીને જમીનમાં દાટી દેવો છે, એવી ધમકી આપી હતી.

ત્યારબાદ ફરિયાદી ઈજનેર નિલરાજસિંહ બારડ આ સ્થળેથી ઈટાળા ગામ તરફ ભાગતા હતાં ત્યારે અમિત ઝાલા સહિતના 6-7 શખ્સોએ કાળા રંગની એક ક્રેટા કાર નંબર જીજે-11-બીઆર-8880 આ ઈજનેરની પાછળ દોડાવી, તેમને હત્યાના ઈરાદે કાર હેઠળ કચડી નાંખવા પણ પ્રયાસ કરેલો, એમ ફરિયાદીએ જણાવ્યું છે. અમિત ઝાલા સહિતના આરોપીઓએ લાકડાના ધોકાઓ વડે આ ફરિયાદી ઈજનેરને માર મારી શરીરના વિવિધ ભાગો પર ઈજાઓ પહોંચાડી અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી. ફરિયાદી ઈજનેરની ફરિયાદના આધારે પોલીસે હત્યા પ્રયાસના ગુના અંગેની કલમ સહિતની વિવિધ કલમો હેઠળ અમિત ઝાલા સહિતના 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. ધ્રોલ પીએસઆઈ પી.જી.પનારા આ બનાવની તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement