પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનો રંગારંગ પ્રારંભ
મેયર અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોક મેળો ખુલ્લો મુકાયો
જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 20 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટેનો 15 દિવસ માટેનો શ્રાવણી લોક મેળો યોજાયો છે. જેની યાંત્રિક રાઈડની મંજૂરી વિલંબ થી મળી હોવાથી આખરે આજે શુક્રવારે સાંજે 7.30 વાગ્યાથી શ્રાવણી લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા ના હસ્તે લોક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ વેળાએ જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા,શાશક જૂથ ના નેતા આશિષભાઈ જોશી, જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઇ નાખવા તેમજ સાંસ્કૃતિક સમિતિના ચેરમેન જીતેશભાઈ શિંગાળા, અને શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય કોર્પોરેટરો મહાનુભાવો તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં લોક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં મેળો યોજવા માટે જન્મેદની ઉંમટી પડી હતી, અને લાંબા સમયથી મનોરંજનની રાહ જોઈ રહેલી જનતાને આજે મનોરંજનની જુદી જુદી રાઇડનો આનંદ માણવા મળ્યો હતો. ત્યારે લોકો પણ ખૂબ જ પ્રફુલિત થયેલા જોવા મળ્યા હતા.
મોતના કુવા સહિતની ત્રણ રાઇડ બંધ કરાવાઈ
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને રાજ્ય સરકારની નવી એસ.ઓ.પી. તથા ગાઈડ લાઇન ને સનુસરીને મશીન મનોરંજનની 14 જેટલી રાઈડ લગાવવામાં આવી હતી, જેમાં આ વખતે એક પ્લોટ માં એક રાઇડ મૂકવાની થતી હતી, પરંતુ જુદા જુદા બે પ્લોટ માં એક થી વધુ રાઈડ મુકવામાં આવી હોવાનું તંત્રને ધ્યાનમાં આવતાં જોઈન્ટ વ્હીલ તેમજ બ્રેક ડાન્સ સહિતની બે રાઇડ બંધ કરાવવામાં આવી છે.આ ઉપરાંત મારુતિ મોતનો કૂવો કે જેને યાંત્રિક રાઈડ નું ફિટનેસ મળતું ન હોવાથી, અને તે હસ્તકલા માં આવતી હોવાથી તેની મંજૂરી મેળવવા માટેનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, અને હાલ મહાનગરપાલિકા દ્વારા મારુતિ મોતના કુવાની રાઇડ પણ બંધ કરાવી દેવામાં આવી છે.
જેથી જામનગર વાસીઓના મનોરંજનમાં ઘટાડો થયો છે.પ્રતિ વર્ષ નાની મોટી 25 જેટલી રાઇડ લગાવવામાં આવે છે, પરંતુ આ વખતે નવી ગાઈડ લાઇન મુજબ દરેક પ્લોટ ની વચ્ચે જગ્યા મુકેલી હોવાથી તંત્ર દ્વારા માત્ર 14 રાઈડ ચલાવવા માટેની મંજૂરી અપાઇ હતી, જે પૈકીની ત્રણ રાઇડ બંધ કરાવતાં હાલ સાડા સાત લાખ જેટલી માનવ વસ્તી વચ્ચે એકમાત્ર 11 રાઈડ લોકોના મનોરંજન માટે ચાલુ રહી છે, જેથી રાઈડમાં બેસવા માટે પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.