સત્ય સાંઈ રોડ પર ટૂ વ્હિલ લઈ જતી કોલેજિયન યુવતીને વીજશોક લાગતાં મોત
રાજકોટમાં ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.વરસાદી માહોલ વચ્ચે શહેરના નાનામવા રોડ પરથી પસાર થતી કોલેજીયન યુવતીને ચાલુ વાહને પાણીમાં પડેલા વીજ વાયરથી વીજશોક લાગતા બેભાન થઈ જતા સારવાર અર્થે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.પરંતુ સારવાર કારગત નિવડે તે પૂર્વે તેણીનું મોત નિપજ્યુ હતું. યુવતીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ,હરિદ્વાર હાઈટ્સ બી વિંગમાં રહેતા નિરાલીબેન વિનોદભાઈ કુકડીયા (ઉ.22) નામની યુવતી રાત્રે ચાલુ વરસાદે આઠેક વાગ્યે નાનામવા રોડ નજીક આવેલ સત્યસાંઈ હોસ્પિટલ પાસેથી પોતાનું વાહન લઈને પસાર થતી હતી ત્યારે નજીકમાં રોડ પર એક વીજપોલ આવેલો હોય તેમાંથી કોઈ ખામીને લીધે વીજ વાયર તુટી ગયો હોય અને તે વાયર પાણીમાં પડયો હોય તે પાણીમાંથી ચાલુ વીજવાયરમાંથી યુવતીને વીજશોક લાગતા તેણી બેભાન થઈ ઢળી પડી હતી. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઈ જતા તેણીને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
બનાવની જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા.પરંતુ તેણીનું ટુકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવીલ હોસ્પિટલે ખસેડી જરૂૂરી કાર્યવાહી કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હોવાનું અને કામ સબબ બહાર નિકળી હતી ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યુ છે.