જસદણના મદાવામાં ઝેરી દવા પી લેનાર કોલેજિયન યુવતીએ દમ તોડ્યો
અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી નહીં મળતા માતા-પિતાએ ખેતીકામ કરવાનું કહેતા પુત્રીએ વખ ઘોળ્યું’તું
બેરોજગારીના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં જસદણનાં મદાવા ગામે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી નહીં મળતાં માતા-પિતાએ ખેતી કામ કરવાનું કહેતા યુવતીને માઠુ લાગી આવ્યું હતું અને યુવતીએ આવેશમાં આવી ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણ તાલુકાના મદાવા ગામે રહેતી તેજલબેન જેન્તીભાઈ જતાપરા નામની 18 વર્ષની યુવતી પોતાની વાડીએ હતી ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરતા ભાડલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો
પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર તેજલબેન જતાપરા એક ભાઈ ચાર બહેનમાં નાની છે અને તેજલબેન જતાપરાએ કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી નહીં મળતાં માતા- પિતાએ ખેતી કામ કરવાનું કહેતા તેણીને માઠુ લાગી આવતાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભાડલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.