આવતીકાલથી ઠંડીનો ચમકારો, તાપમાન 16 ડિગ્રી સુધી નીચું જશે
ગુજરાતમાં નવેમ્બર મહિનાને 15 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ પણ જોઈએ તેવી ઠંડીની શરૂૂઆત નથી થઈ. માત્ર વહેલી પરોઢ અને રાતના સમયે થોડો ઠંડીનો ચમકારો જોવા મળે છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રેકોર્ડ બ્રેક ઠંડીની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષોપ નહીં આવે, ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા નહીવત છે. અત્યારે એક પશ્ચિમી વિક્ષોપ આવશે, પરંતુ તે મજબૂત નથી. આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જઈ શકે છે.
આ મહિનાના અંતમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવશે. જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા થવાની શક્યતા રહેશે. જેથી લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાશે.
જે બાદ ડિસેમ્બર મહિનાની શરૂૂઆતથી કાતિલ ઠંડી પડવા લાગશે. જેમાં 27 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી તો કેટલાક ભાગોમાં 8 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. આમ એકંદરે આ વખતે શિયાળામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે.