વિંછિયાના બોરીયામાં ધો.11ની છાત્રાએ હોસ્ટેલમાં નહીં ગમતા ઝેરી દવા પી લીધી
વિછીયાના બોરીયા ગામે રહેતી અને હોસ્ટેલમાં રહી ધો.11માં અભ્યાસ કરતી છાત્રાને હોસ્ટેલમાં નહીં ગમતા પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિંછીયા તાલુકાના બોરીયા ગામે રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા પોતાની વાડીએ હતી ત્યારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વિછીયા પોલીસને જાણ કરતાં વિછીયા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં ઝેરી દવા પી લેનાર સગીરા ચાર બહેનમાં નાની છે અને તેના પિતા હયાત નથી. સગીરા ધો.4થી વિંછીયામાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અને હાલ ધો.11માં આવતાં જ હોસ્ટેલમાં ગમતું નહીં હોવાથી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વિંછીયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.