ખંભાળિયામાં બાળકને આંખમાં થયેલી ગંભીર ઈજાની સિવિલ હોસ્પિટલ દ્વારા સફળ સારવાર
ડો. પડિયાએ બચાવી બાળકની દૃષ્ટિ
ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં આંખ વિભાગની ઓ.પી.ડી.માં ગંભીર હાલતમાં ભરાણા ગામના સંદિપ નામના 10 વર્ષના બાળકનો કેસ આવ્યો હતો. આ બાળકને ગામમાં રમતાં રમતાં આંખમાં લાકડાનો કટકો વાગ્યો હતો. જેથી આંખની અંદર સુધી પહોંચીને કીકી તથા નેત્રમણીને નુકસાન પહોંચ્યું હતું. આ ગંભીર ઈજાની પરિસ્થિતિને લીધે બાળકની દ્રષ્ટી જોખમમાં મુકાઈ હતી.
ખંભાળિયાની જિલ્લા સરકારી હોસ્પિટલમાં આંખ વિભાગ ખાતે ફરજ બજાવતા ડો. ઉત્સવ પડિયા અને ટીમ દ્વારા બાળકની દ્રષ્ટિ બચાવવા બે તબક્કામાં ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ કીકીનું ઓપરેશન અને બીજા તબક્કામાં નેત્રમણીનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ બે મોટા અને જટીલ ઓપરેશન દ્વારા બાળકની દ્રષ્ટિ બચાવવા માટે અહીંની જનરલ હોસ્પિટલ ખાતે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. સાથે બાળક અને પરિવારે પણ ડો. ઉત્સવ તેમજ તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.