ખંભાળિયાના પીર લાખાસર ગામે પાણીમાં નાહવા પડેલા બાળકનું ડૂબી જતા મોત
ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા કાસમભાઈ ઓસમાણભાઈ દેથાનો 12 વર્ષનો પુત્ર જુનેદ ગઈકાલે મંગળવારે બપોરના સમયે સરકારી સ્કૂલની બાજુમાં આવેલા પાણીના ખાડામાં ન્હાવા પડતા અકસ્માતે ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ કાસમભાઈ દેથાએ અહીંની પોલીસને કરી છે.
સંતાન થતા ન હોવાથી યુવાને જિંદગી ટૂંકાવી
ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા કમલેશભાઈ ઉર્ફે કનુભાઈ નારણભાઈ મોરી નામના 30 વર્ષના રબારી યુવાનને સંતાન થતા ન હોવાથી તેમજ તેમને સંતાન થવાની શક્યતા નહિવત હોવાના કારણે તેમને મનમાં લાગી આવતા, તેમણે ઘાસ બાળવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેથી તેમને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
કૂવામાં પડેલા શ્રમિકનું મૃત્યુ
મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહી અને મજૂરી કામ કરતા કૈલાશભાઈ કાશીયાભાઈ જમરા નામના 40 વર્ષના યુવાન સોમવારે વાડીના રહેણાંક મકાનની પાછળ આવેલા ખુલ્લા કુવામાં ખોબા વડે પાણી પીતા હતા. ત્યારે અકસ્માતે કૂવામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની રેન્દાબેન કૈલાશભાઈ જમરા (ઉ.વ. 39) એ કલ્યાણપુર પોલીસને કરી છે.