ખુલ્લા વીજવાયરથી શોક લાગતા યુવતીનું મોત થયાના બનાવમાં અંતે બેદરકારીનો ગુનો નોંધાયો
નાના મવા રોડની ઘટના: એકની એક પુત્રી ગુમાવનાર પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી
શહેરના નાનામવા રોડ પર ચાલુ વરસાદે પસાર થતી સ્કુટર ચાલક યુવતીને ડિવાઇડરના વીજપોલના ખૂલ્લા વાયરના કારણે પાણીમાંથી વીજશોક લાગત મોત નીપજયું હતું. જે ઘટનામાં અંતે પોલીસે એક મહિના બાદ યુવતીના િ5તાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે બેદરકારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ નાનામવા રોડ પર હરીદ્રાર હાઇટસમાં રહેતી અને મોટી ટાંકી ચોક ખાતે મેડીકલ સ્ટોરમાં નોકરી કરતી નીરાલી વિનોદભાઇ કાકડીયા (ઉ.વ.22) નામની યુવતી ગત તા.16/7ના રાત્રે 8 વાગ્યાના અરસામાં ઓફીસેથી ચાલે વરસાદે સ્કુટર લઇ ઘરે જતી હતી દરમિયાન નાનામવા મેઇન રોડ પર સાંઇનાથ નર્સરી પાસે પહોંચતા ડીવાઇડરની વચ્ચે આવેલા સ્ટ્રીટલાઇટના વીજપોલમાં શોક આવતો હોય અને વરસાદના કારણે ડિવાઇડર સુધી પાણી ભરાતા વરસાદી પાણીમાં પગ મૂકતા નીરાલીને વીજશોક લાગતા તે પડી જતા ડિવાઇડરના વીજપોલને અડકી જતાં વીજશોક લાગવાથી તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગઇ હતી.
આ બનાવમાં કોર્પોરેશ અને પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે પરિવારે એકની એક પુત્રી ગુમાવી દીધી હતી. આમ છતા પોલીસે દ્વારા એક મહિના બાદ બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે પણ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધયો છે. મૃતક નિરાલીના પિતા વિનોદભાઇ લાલજીભાઇ કાકડીયા (ઉ.વ.48)ની ફરિયાદ પરથી તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ડિવાઇડર પર લગાવેલા વીજપોલમાં વરસાદના કારણે શોર્ટ લાગવાથી માણસોની જીંદગી જોખમાઇ અને મૃત્યુ નીપજવાની સંભાવના હોવા છતા જરૂરી નકેદારી કે કાર્યવાહી ન કરી બેદરકારી દાખવતા યુવતીનું મોત નીપજતાં સાપરાઘ મનુષ્ય વધનો ગુનો નોંધી પીએસઆઇ કે.એચ.કારેણાએ વધુ તપાસ હાથ ધરી છે.