અકસ્માત મામલે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો કરનાર શખ્સ સામે નોંધાતો ગુનો
રાજકોટમાં પોલીસનો જાણે કોઈ ડરના હોય તેમ ગુનેગારો દ્વારા જાહેરમાં મારામારીના બનાવો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.ત્યારે રાજકોટમાં ગઈ કાલે બપોરના સમયે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઇન્દિરા સર્કલ નજીક બે સ્કૂટર વચ્ચે નજીવી ટક્કર થઇ હતી. જેનો ખાર રાખી એક એક્ટિવાના ચાલકે બીજા સ્કૂટરચાલક વિદ્યાર્થીનો પીછો કરી તેને રૈયા ટેલિફોન એક્સચેંજ પાસે આંતરી છરીનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરની અટકાયત કરી હતી.
વધુ વિગતો મુજબ,રૈયા રોડ પરના રાજેશ્વરીપાર્કમાં રહેતો અને શક્તિ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો પ્રિન્સ ઘનશ્યામભાઇ બકરાણિયા (ઉ.વ.17) મંગળવારે બપોરે સ્કૂલેથી છૂટીને પોતાના સ્કૂટર પર સાથી મિત્ર વિદ્યાર્થી હર્ષિલ પરમારને બેસાડી પોતાના ઘર તરફ જવા નીકળ્યો હતો. બંને વિદ્યાર્થી ઇન્દિરા સર્કલ પાસે પહોંચ્યા હતા ત્યારે અન્ય એક સ્કૂટર સાથે નજીવી ટક્કર થઇ હતી જે બાબતે તે સ્કૂટરના ચાલકે પ્રિન્સ સાથે બોલાચાલી કરી હતી અને બંને પક્ષ છૂટા પડી ગયા હતા.બાદમાં પ્રિન્સ પોતાનું સ્કૂટર લઇને રૈયા ટેલિફોન એક્સચેંજ પાસે પહોંચ્યો હતો.
ત્યારે ફરીથી આરોપી તેની પાછળ ધસી આવ્યો હતો અને પ્રિન્સને ગાળો ભાંડી તેનો હાથ મરડી નાખ્યો હતો અને તે શખ્સે પોતાની પાસે રહેલી છરી કાઢી વિદ્યાર્થી પ્રિન્સના પેટમાં છરીનો ઘા ઝીંકવા જતાં પ્રિન્સ હટી જતાં તેના હાથમાં છરીનો ઘા લાગ્યો હતો. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને ફોન કરતાં પ્રિન્સના પિતા ઘનશ્યામભાઇ પણ સ્થળ પર દોડી ગયા હતા.આ મામલે શખ્સને સ્થાનિકોએ ત્યાં જ રોકી રાખ્યો હતો.ગાંધીગ્રામ પોલીસે ઘનશ્યામભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી હુમલાખોર બલદેવ ફતેપરા (રહે. પોપટપરા શેરી નં. 2)ને ઝડપી લીધો હતો.