For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માધાપર પાસે 50 કરોડની સરકારી જમીન પર બુલડોઝર ફર્યુ

04:16 PM Dec 05, 2023 IST | Bhumika
માધાપર પાસે 50 કરોડની સરકારી જમીન પર બુલડોઝર ફર્યુ

રાજકોટ શહેરની સ્માર્ટ સિટીમાં ગણતરી થઈ રહી છે ત્યારે રાજકોટની જમીનોના ભાવ રાતોરાત આસમાને પહોંચી ગયા છે જેના કારણે ભુમાફીયાઓ અને લેભાગુ તત્વો સરકારી જમીન પર ડોળો જમાવીને કબજો કરી લઈ દબાણ કરતાં હોવાના અનેક કિસ્સાઓ તંત્રનાં ધ્યાન પર આવ્યા છે ત્યારે દિવાળી પછી કલેકટરના આદેશથી સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની શરૂ કરેલી કાર્યવાહીમાં આજે માધાપર નજીક 50 કરોડ ની જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

Advertisement

રાજકોટનાં જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા તાજેતરમાં જ રેવન્યુ ઓફિસરો સાથેની બેઠકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર સરકારી જમીનો પર ખડકી દેવાયેલા દબાણો દૂર કરવા તમામ મામલતદારોને આદેશ આપ્યા છે. જેના પગલે ગત સપ્તાહમાં જ વાવડી અને મવડીમાં સરકારી જમીન પર બુલડોઝર ફેરવી દઈ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

દરમિયાન આજે સવારે ઈન્ચાર્જ પૂર્વ મામલતદાર ચાવડા અને સર્કલ ઓફિસર સંજય કથિરીયા ના.મામલતદાર રઘુભા, માધાપરના તલાટી સહિતનો કાફલો પોલીસ પ્રોટેકશન અને જેસીબી બુલડોઝર સાથે માધાપર રેવન્યુ સર્વે નં.111 પર ત્રાટકયો હતો.

Advertisement

મહાનગરપાલિકાને મોટો સંમ્પ બનાવવા માટે કલેકટર તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ 25000 ચો.મી.જમીન પર ઝુંપડા, ઢોરના વાડા, ઓરડી અને કાચા મકાનો ખડકી દેવામાં અવ્યા હતાં. જેના પર બુલડોઝર ફેરવી દઈ 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા કલેકટર તંત્ર દ્વારા માધાપર નજીક ઈવીએમ વેર હાઉસ પાસે આવેલ કરોડોની સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જ્યારે રૈયાધાર સ્માર્ટસીટી પ્રોજેકટ અંતર્ગત આવતી સરકારી જમીન પર ખડકી દેવાયેલ દબાણ પણ દિવાળી પહેલા દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાલાવડ રોડ પર કણકોટના પાટીયા પાસે પણ સરકારી જમીન પર થયેલ દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement