ગાંધીનગરના બિલ્ડર ગ્રૂપને ત્યાં દરોડામાં રૂા. 100 કરોડના બેનામી વ્યવહારો મળ્યા
ગાંધીનગર આજુબાજુ જમીન અને ક્ધસ્ટ્રક્શન સાઇટની સ્કીમમાં કૃત્રિમ તેજી લાવનાર ગાંધીનગરના બિલ્ડર ગ્રૂપ પર ઇન્કમટેક્સના દરોડા બીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં 100 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારોની વિગતો અધિકારીઓના હાથ લાગી છે. આ ઉપરાંત 15 બેંક લોકર સીઝ કરવામાં આવ્યા છે. જ્યારે બે કરોડ રોકડા તેમજ પાંચ કરોડના દાગીના મળી આવ્યા છે. હજુ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી પ્રબળ સંભાવના અધિકારીઓ જોઈ રહ્યા છે.
ગાંધીનગરના સૌથી જૂના અને લગભગ તમામ પ્રાઇમ લોકેશન પર તેમના પ્રોજેક્ટ હોય એવા પીએસવાય ગ્રૂપ પર ગુરુવારે સવારે ઇન્કમટેક્સના અધિકારીઓએ પૂરતા બંદોબસ્ત સાથે રેડ પાડી હતી. કુલ 27 સ્થળે દરોડાની કામગીરી ચાલી રહી છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે અને તેની મિરર ઇમેજ લેવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત લેપટોપ કમ્પ્યૂટર, હાર્ડડિસ્ક તેમજ મોટી સંખ્યામાં મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે જેની તપાસ ચાલી રહી છે.
ઇન્કમટેક્સના અધિકારીઓને જુદી જુદી ઓફિસ અને સાઈટો પરથી હિસાબની ડાયરીઓ કાચી ચિઠ્ઠીઓ અને જુદા જુદા લખાણની વિગતો મળી આવી છે. પ્રોજેક્ટમાં વેચાણ દરમિયાન કેટલા ટકા બ્લેકમની લેવામાં આવતા હતા અને કેટલા વ્હાઇટ લેવામાં આવતા હતા તેની વિગતો પણ અધિકારીઓ એકત્રિત કરી લીધી છે. પીએસવાય ગ્રૂપના નીલય દેસાઈ અને તેમની સાથે સંકળાયેલા વિનાયક પુરોહિત તેમજ જોશીના તમામ આર્થિક વ્યવહારોની વિગતો ઇન્કમટેક્સે એકત્રિત કરી લીધા બાદ દરોડાની કામગીરી કરવામાં આવી હતી. ચોક્કસ સિન્ડિકેટ દ્વારા ગાંધીનગર આજુબાજુના જમીનોના ભાવમાં કૃત્રિમ તેજી લાવવાનો કારસો પણ રચવામાં આવ્યો હતો. જે અંગે અધિકારીઓને ભનક આવી જતા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
સમગ્ર તપાસમાં આ ગ્રૂપ દ્વારા કરવામાં આવેલી કરચોરી શોધી કાઢવામાં આવશે. સાથે સાથે તેમની સાથે સંકળાયેલા બિલ્ડરો, ઇન્વેસ્ટરો અને ભાગીદારો તેમજ સપ્લાયરોની પણ ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને તેમના સુધી તપાસનો રેલો પહોંચશે તેવું સિનિયર અધિકારીઓ જણાવી રહ્યા છે. અમદાવાદના મોટા બિલ્ડરોને ત્યાં પડેલી રેડ બાદ તેની તપાસમાં હજારો કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા જે અંગેની તપાસ સીધા દિલ્હીના સિનિયર ઓફિસરોના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.