ખંભાળિયામાં ભૂરાયો થયેલો આખલો બિલ્ડિંગના પહેલા માળે ચડી જતા કૌતુક
પશુ સેવકોની લાંબી જહેમત બાદ નીચે ઉતારાયો
ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સના પહેલા માળે ગઈકાલે બપોરે એક આખલો ચડી જતા ભારે અફડાતફડી સર્જાઇ હતી. પશુ સેવકોએ લાંબી જહેમત બાદ સફળતાપૂર્વક આ આખલાને નીચે ઉતાર્યો હતો.
ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં ચોક નજીકના એક કોમ્પ્લેક્સ પર મંગળવારે બપોરના સમયે એક આખલો ચડી ગયો હતો. જેથી આસપાસના વેપારીઓએ તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. આ અંગેની જાણ એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા કાર્યકરો તેમજ ફાયર સ્ટાફના જવાનો આ સ્થળે દોડી ગયા હતા. નીચે ઉતારવા જતા આખલા દ્વારા તમામને ઢિંકે ચડાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પરંતુ આશરે બે કલાકની લાંબી જહેમત બાદ આ આખલાને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં સફળતા મળી હતી. જેથી સૌ કોઈએ રાહતનો દમ ખેંચ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે પણ એક આખલો આ રીતે અગાસી ઉપર ચડી ગયાનો બનાવ બનવા પામ્યો હતો. તેનું પણ પશુ સેવકો દ્વારા રેસ્ક્યુ કરાયું હતું.