સુરેન્દ્રનગરના ઉભડા ગામમાં નેતાઓને પ્રવેશ બંધીના બોર્ડ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મોટા ઉભડા ગામમાં લાંબા સમયથી પડતર સમસ્યાઓના નિરાકરણ ન આવતા ગ્રામજનોએ આકરું પગલું લીધું છે.
ગામના પ્રવેશદ્વાર પર બોર્ડ મૂકી નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રવેશબંધી ફરમાવી છે. ગામમાં બે મુખ્ય સમસ્યાઓ છે. પહેલી, ખેડૂતોના ખેતરમાં રસ્તાનું દબાણ. બીજી, દલિત સમાજના સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો બિસ્માર છે. તાજેતરમાં એક દલિત વ્યક્તિના અવસાન સમયે અંતિમયાત્રા ટ્રેક્ટરમાં કાઢવી પડી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ગ્રામજનોએ આ મુદ્દે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટર સુધી રજૂઆતો કરી છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. ગામમાં અન્ય સમસ્યાઓ પણ છે. એક વીજળીનો થાંભલો નમી ગયો છે. અનેક રજૂઆતો છતાં ઙૠટઈક દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી.
ગામની શાળામાં રમતગમતનું મેદાન નથી. જેના કારણે બાળકો સ્પર્ધાઓમાં ભાગ લઈ શકતા નથી.
ગ્રામજનોનો આક્રોશ છે કે ચૂંટણી સમયે મોટી સંખ્યામાં મત આપે છે, પરંતુ પછી કોઈ તેમની સમસ્યાઓ તરફ ધ્યાન આપતું નથી.
આ કારણે તેમણે નેતાઓ અને કાર્યકર્તાઓને ચેતવણી આપી છે કે જો ગામમાં આવશે તો વિરોધનો સામનો કરવો પડશે.