મોરબી-માળિયા હાઈવે પર તૂટેલા ગટરના ઢાંકણામાં ભાજપનો ઝંડો લગાવાયો
મોરબી-માળિયા હાઈવે પર બાયપાસ રોડ ઉપર તૂટેલા ગટરના ઢાંકણા ઉપર ભાજપનો ઝંડો ઉભો કરી અને સાથે ભ્રષ્ટાચારના બેનરો લગાવી કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મોરબી શહેરમાં નગરપાલિકાના પાપે ગટરના ઢાંકણાની સ્થિતી દયનીય હાલતમાં જોવા મળે છે ત્યારે આજે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોરબી - માળીયા બાયપાસ પર તુટેલા કુંડીના ઢાંકણા પર ભાજપનો ઝંડો લહેરાવી વિરોધ કર્યો હતો તેમજ તેમા સાથે ભ્રષ્ટાચારના બેનરો પણ લગાવ્યા હતા.
જ્યારે કોંગ્રેસના નેતા મનોજભાઇ પનારાએ ભાજપ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચાર રૂૂપી ભાજપ છે જેને પ્રજાએ ખોબે ને ખોબે મત આપ્યા તેમ છતા આજે મોરબીની જનતાને ઉભરાતી ગટરો અને તૂટેલા કુંડીના ઢાંકણા શિવાય બીજુ કશું આપ્યું જ નથી જે લોકો પરેશાન થઈ ચુક્યા છે. છેલ્લા 10 વર્ષથી આ હાઈવે બનેલો છે. હાઈવે બન્યો ત્યારથી આજદિન સુધી ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે. જેનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર છે. તૂટેલા ઢાંકણાના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. અને કેટલાય વાહનચાલકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે તેમ છતા આંધળા તંત્રને દેખાતું નથી. આ કુંડી વિશ ફુટ જેટલી ઊંડી છે જો કોઈ બાળક આમા પડી જશે તો તેની જવાબદારી કોની રહેશે. ત્યારે કોંગ્રેસ દ્વારા તાત્કાલિક આ તૂટેલા કુંડીના ઢાંકણા નાંખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને મોરબીમાં કોંગ્રેસ દ્વારા તા. 9 ઓગસ્ટે ન્યાય યાત્રા નીકળશે અને 10 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો ત્યાં સુધીમાં ગટરના ઢાંકણા નાંખવામાં નહી આવે તો લોકો સાથે હાઈવે પર બેસીને ઉપવાસ આંદોલન કરવાની કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારી હતી.