વાંકાનેરમાં લોકમેળાના ગ્રાઉન્ડ માટે રૂા.18 લાખની બોલી લગાવાઈ
વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નૌમ-દશમ મેળાના મેદાનની વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી કરવામાં આવી હતી, જેમાં કુલ સાત પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી, જેમાં લોકમેળા માટેનું મેદાન ફક્ત ત્રણ બોલી બાદ રૂ. 18 લાખની બોલી સાથે જય ગોપાલ ટ્રેડિંગના ફાળે આવ્યું હતું.
નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા તથા વહીવટદાર અને મામલતદાર યુ. વી. કાનાણીની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેર હરાજીમાં કુલ સાત પાર્ટીઓએ બોલી લગાવી હતી, જેમાં 3.10 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતા ગ્રાઉન્ડ માટે પ્રથમ બોલી ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા 3.25 લાખ, બીજી બોલી અમરનાથ ટ્રેડર્સ દ્વારા 3.50 લાખ અને ત્રીજી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા 18 લાખ લગાવી હતી, જેમાં ત્રણ રાઉન્ડ સુધી કોઇએ બોલી ન લગાવતા મેળા માટેનું મેદાન નગરપાલિકા દ્વારા જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગ્રાઉન્ડ માટે આગામી દિવસોમાં જો બોલી લગાવનાર દાવેદાર દ્વારા નગરપાલિકામાં બોલીની રકમ જમા કરાવવામાં નહીં આવે તો, તેને રદ કરી તેનાથી નીચે બોલી લગાવનારને આ ગ્રાઉન્ડ આપવામાં આવશે તેમ હરાજી કરનાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
બીમારી સબબ ખંભાળિયાના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા વિક્રમભાઈ મેરગભાઈ છુછર નામના 68 વર્ષના વૃદ્ધ છેલ્લા કેટલાક સમયથી બીમાર હોય, તેમને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર ભીખાભાઈ વિક્રમભાઈ છુછર (ઉ.વ. 32) એ અહીંની પોલીસને કરી છે.