મારૂતિનગરના વ્હોરા દંપતી સાથે ફલેટનો દસ્તાવેજ કરી આપવાના બહાને રૂપિયા 37 લાખની ઠગાઇ
2021ની સાલમાં અશાંતધારો લાગુ પડી જતા દસ્તાવેજ કરાવી આપવા મકાન માલિકે બહાના બતાવ્યા: ફલેટ પર લોન ચાલુ હોવા છતાં ફલેટ માલિકે હકીકત છુપાવી : ગુનો નોંધાયો
જુના એરપોર્ટ રોડ પર આવેલા મારૂૂતિનગરમાં વ્હોરા પરિવારના ગૃહિણી સાથે આ વિસ્તારમાં જ ભાગીદારીમાં એપાર્ટમેન્ટ બનાવનાર બિલ્ડરે ફલેટના સોદામાં રૂૂા. 37 લાખની ઠગાઇ કરતાં ફરિયાદ થઇ છે.વધુ વિગતો મુજબ,એરપોર્ટ રોડ મારૂૂતિનગર-2 નટરાજ ગોલાવાળી શેરી તસ્કી એપાર્ટમેન્ટમાં રહેતાં તાહેરાબેન મુર્તુઝા ચિકાણી-દાઉદી વ્હોરા (ઉ.વ.48)ની ફરિયાદ પરથી રણજીત જીતબહાદુર વશિષ્ટ વિરૂૂધ્ધ બીએનએસ 318 (4) મુજબ લોનવાળો ફલેટ ધાબડી દઇ રૂૂા. 37,05,300ની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે.
તાહેરાબેને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જાન્યુઆરી-2020માં મને તથા મારા પતિને જમીન મકાનના દલાલ શબ્બીરભાઇ ત્રવાડી મારૂૂતિનગર-2 નટરાજ ગોલાવાળી શેરીમાં મોદક એપાર્ટમેન્ટમાં આવેલો ફલેટ નં. 301 બતાવવા લઇ ગયેલ. આ એપાર્ટમેન્ટ રણજીત વશિષ્ટના નામે હતો. તેના માણસ સંજય ટાંકે જે તે વખતે અમને મકાન બતાવ્યું હતું.
આ મકાન અમને પસંદ આવતાં અમે સુથી પેટે રણજીત વશિષ્ટને એરપોર્ટ રોડ પર આવેલી સાઇટ ખાતે તા. 10/2/20ના રોજ રૂૂા. 5300 રોકડા આપ્યા હતાં. આ સુથી આપી ત્યારે સંજય ટાંક અને દલાલ શબ્બીર ત્રવાડી પણ હાજર હતાં.આ વખતે રણજીત વશિષ્ટે મને તથા મારા પતિને કહેલુ કે આ ફલેટની હાલની બજાર કિંમત 37,50,000 ગણાય છે. આથી અમે તે રકમ કટકે કટકે આપવાનું નક્કી કર્યુ હતું. થોડા દિવસમાં જ દસ્તાવેજ કરી આપશે તેવી તેણે ખાત્રી આપી હતી. ત્યારબાદ અમે તા. 24/2/20ના રોજ રૂૂા. 5 લાખ ચેકથી આપ્યા હતાં. એ પછી ફરી 10 લાખ, 5 લાખ અને બીજા 5 લાખ સંજય ટાંકની હાજરીમાં આપ્યા હતાં. એ પછી અમને રણજીત વશિષ્ટ ફલેટની ચાવી આપી દીધી હતી. જેથી અમે ડિસેમ્બર-2020માં આ ફલેટમાં રહેવા માટે જતાં રહ્યા હતાં.
ત્યારબાદ અશાંતધારો લાગુ પડતાં રણજીત વશિષ્ટને અમે કહેલું કે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ પડી ગયો છે તો દસ્તાવેજ કઇ રીતે થશે? જેથી તેણે કહેલુ કે તમે ચિંતા ન કરો હું બધુ જોઇ લઇશ. થોડા સમય પછી અમે ફરીથી રણજીતને દસ્તાવેજ કરી આપવાનું કહેતાં તેણે તેના સંબંધી જે અમારા પણ સંબંધી હોઇ તેવા લલીત શાહી અને અનંત રાજા મારફત કહેલુ કે બાકી રહેતું પેમેન્ટ કરી દો. જેથી અમે તા. 5/2/21ના રોજ રૂૂા. 4 લાખ ચેકથી અને 8 લાખ મળી કુલ 12 લાખ ચુકવી દીધા હતા. આ રીતે અમે કુલ 37,05,300 આપી દીધા હતાં. પરંતુ આજ સુધી રણજીત વશિષ્ટે અમને દસ્તાવેજ કરી આપ્યો હતો.
તપાસ કરતાં અમને એવી પણ ખબર પડી હતી કે રણજીતે આ ફલેટ પર લોન લીધેલી છે અને હાલ લોન પણ ચાલુ છે. ફલેટનો દસ્તાવેજ હાલ બેંકમાં જમા છે. આથી અમે તેને દસ્તાવેજ ન થાય એમ હોય તો અમારુ પેમેન્ટ પાછુ આપી દેવા કહ્યું હતું. જો કે તેણે દસ્તાવેજ ન કરી આપી ફલેટની અમે ચુકવેલી રકમ પણ પાછી આપી ન હોઇ છેતરપીંડી થયાનું જણાતાં અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં તાહેરાબેને કહેતાં પ્ર.નગર પીઆઇ પી. આર. ડોબરીયાની રાહબરીમાં એએસઆઇ કે. બી. રાઠોડે ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઇ ડી. પી. ગોહેલે હાથ ધરી છે. ફરિયાદી તાહેરાબેન હાલ હાઉસવાઇફ છે અને તેમના પતિ કરિયાણાના વેપારી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે વિશેષ તપાસ યથાવત રાખી છે.