મોરબીના ખાનપુરમાં 60 વર્ષના વૃદ્ધાને સાપે ડંશ મારતાં મોત
મોરબીના ખાનપુર ગામે વૃદ્ધાને સાપે ડંખ માર્યો હતો. વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ મોરબીના ખાનપુર ગામે રહેતા બીજલીબેન ઝુલશીભાઈ મેરવા નામના 60 વર્ષના વૃદ્ધા બે દિવસ પૂર્વે મુકાભાઈની વાડીએ હતા ત્યારે રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં સાપે ડંખ માર્યો હતો. વૃદ્ધાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જેતપુરના વીરપુર ગામે રહેતા મનિષાબેન રમેશભાઈ મકવાણા નામના 45 વર્ષના પ્રોઢા ગોંડલમાં મજૂરી કામ કરી ટ્રેનમાં વીરપુર જઈ રહ્યા હતા ત્યારે ટ્રેનના ડબામાં મનિષાબેન મકવાણાને ઝેરી જનાવર કરડી ગયું હતું પ્રોઢાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.