ગુરુપૂર્ણિમાના દિવસે કાર અકસ્માતમાં ઘવાયેલા ધો.3ના વિદ્યાર્થીનું મોત
રાજકોટથી ગોંડલ જતી વખતે ટ્રક પાછળ કાર ધૂસી જતા ઘટના, ધટી’તી : એક જ પરિવારના પાંચ વ્યક્તિ ધવાયા’તા
ગોંડલમાં રહેતો પરિવાર ગુરુપૂર્ણિમાના દિવસે રાજકોટ ફરવા માટે આવ્યો હતો અને ફરીને પરત ગોંડલ જઈ રહ્યો હતો ત્યારે સડક પીપળીયા ગામ પાસે ગોંડલના પરિવારની કાર ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિને બીજા પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા ધો.3 ના છાત્રનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલા ચોકસીનગરમાં રહેતા જગદેવસિંહ જોગીન્દ્રસિંહ (ઉ.વ.38), તેની પત્ની, યુધ્ધવીરસિંહ અને રણવીરસિંહ સહિતનો પરિવાર ગત રવિવારના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે રાજકોટ ફરવા માટે આવ્યો હતો અને ફરીને પરત જઈ રહ્યો હતો ત્યારે સડક પીપળીયા પાસે કાર ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા એક જ પરિવારના પાંચ સભ્યોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ધો.3 ના છાત્ર રણવીરસિંહ વરર્દીનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે રાજકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.