ભણવા મુદ્દે મોટી બહેને ઠપકો આપતા ધો.10ના છાત્રનો આપઘાતનો પ્રયાસ
પડધરી પંથકની ઘટના: 14 વર્ષના સગીરે ઝેરી પાઉડર પી લેતા સારવારમાં ખસેડાયો
પડધરી પંથકમાં રહેતા અને ધો.10માં અભ્યાસ કરતો સગીર સવારે દફતર લઈને ઘરેથી નીકળી ગયા બાદ સ્કૂલે જવાના બદલે રખડવા નીકળી જતો હતો જે મુદ્દે મોટી બહેને ઠપકો આપતા સગીરે ઝેરી પાવડર પી લીધો હતો. સગીરને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી પંથકમાં રહેતા અને ધો.10માં અભ્યાસ કરતો 14 વર્ષનો સગીર પોતાના ઘરે હતો. ત્યારે ઝેરી પાવડર પી લીધો હતો. સગીરને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર સગીર બે બહેનોનો એકનો એક નાનો ભાઈ છે અને ધો.10માં અભ્યાસ કરે છે.
સગીર દરરોજ સવારે ઘરેથી સ્કૂલે જવાના બહાને નીકળી રખડવા જતો રહેતો હતો અને બપોરના સમયે ઘરે પરત આવી જતો હતો જે અંગેની પરિવારને જાણ થતા મોટી બહેને ભણવા મુદ્દે ઠપકો આપ્યો હતો. બહેનના ઠપકાથી માઠું લાગતા સગીરે ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.