સંતકબીર રોડ પર ટેઇલર સાથે લોન અપાવી દેવાના બહાને ગઠિયાની 96 હજારની ઠગાઇ
આરોપીએ અગાઉ ડઝનથી વધુ લોકોને શિકાર બનાવ્યા છે, આરોપીની શોધખોળ
શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલી દરજીની દુકાનના વેપારીને લોન અપાવી દેવાના બહાને 96 હજારની છેતરપીંડી કરાઇ હોવાની ફરીયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધવામા આવી છે આરોપીની ધરપકડ કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ દુધસાગર રોડ પર વિમાના દવાખાનાની પાછળ ન્યુ શકિત સોસાયટીમાં રહેતા આયુષભાઇ વલ્લભભાઇ દેશાણી નામના 38 વર્ષના યુવાન મહાવિરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આયુષભાઇએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેઓ બિગબઝારની બાજુમાં આવેલા 150 ફુટ રીંગ રોડ પર ડ્રેસવાલા દુકાનમાં નોકરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઇ તા. 16 ના રોજ તેઓ સંતકબીર રોડ પર આવેલી સિધ્ધાર્થ ટેઇલર નામની દુકાને હતા ત્યારે એક વ્યકિત આવ્યો હતો અને તેણે સબંધી રાજુભાઇને જણાવ્યુ હતુ કે પોતે બજાજ ફાઇનાન્સમાં લોન વિભાગમાં છે અને તેમનુ નામ જણાવ્યુ હતુ. ત્યારબાદ પોતે ર4 કલાકમાં 1 લાખ રૂપિયાની લોન કરી આપશે તેવી વાત કરી હતી જેથી આયુષભાઇને પણ પૈસાની જરૂરીયાત હોય તેમણે મહાવીરસિંહ સોલંકી સાથે વાતચીત કરી અને જરૂરી ડોકયુમેન્ટની ઝેરોક્ષ આપી હતી.
ત્યારબાદ મહાવીરસિંહે રીંગ નામની એપ્લીકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરી આપી હતી અને તેમાં ફોર્મ ભરી કહયુ હતુ કે અડધા કલાકમાં તમારા બેંક ઓફ બરોડાના ખાતામાં 96460 રૂપિયા લોન પેટે જમા થશે તેમજ આ લોનની પ્રોસેસના રૂ. 3540 કપાયા હતા. ત્યારબાદ મહાવીરસિંહે કહયુ હતુ કે લોનની રકમ થર્ડ પાર્ટીના એકાઉન્ટમાં જમા કરાવવાથી લોન પ્રોસેસની ફી ચુકવવી નહીં પડે તેમ જણાવ્યુ હતુ અને બે ત્રણ દિવસ બાદ તમારા ખાતામાં નાણા જમા થઇ જશે તેમ વિશ્ર્વાસ આપ્યો હતો ત્યારબાદ બે ત્રણ દિવસ થઇ ગયા છતા પણ પૈસા ખાતામાં જમા ન થતા આયુષભાઇએ મહાવીસિંહને ફોન કરતા ખોટા બહાના કાઢવા લાગ્યો હતો અને તેની સાથે ફ્રોડ થયાનુ જાણવા મળતા તેમણે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મહાવીરસિંહ સોલંકી અગાઉ 15 થી વધુ લોકો સાથે લોન આપવાના બહાને છેતરપીંડી કરી ચુકયો છે.