પ્રથમ સોમવારે સોમનાથમાં 89 હજાર ભાવિકો ઉમટયા
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્લા મુકવામાં આવેલ ત્યારે કતારબંધ લાઈનમાં ઉભેલા ભાવિકોના હર હર મહાદેવ...જય સોમનાથ ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠી શિવમય બની ગયું હતું. ત્યારબાદ સાત વાગ્યે મહાઆરતી અને મહાપૂજા કરવામાં આવી હતી.
પ્રથમ ધ્વજા પૂજા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સોમવારે દિવસભર સતત લોકો મહાદેવ ને શીશ ઝુકાવવા ઉમટી રહ્યા હતા. રેકર્ડબ્રેક 70 જેટલી ધ્વજાઓ અને 69 સોમેશ્વર મહાપૂજા ભાવિકો દ્વારા કરવામાં આવી હતી અને અંદાજીત 89 હજાર ભક્તો એ સાંજે 7 વાગ્યા સુધીમાં દર્શન કર્યા હતા.
આજે સવારે નિત્યક્રમ મુજબ મહાપૂજા-આરતી થયા બાદ સવારે 9 વાગ્યે સોમનાથ મંદિરની પ્રણાલિકા અનુસાર સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂૂપે મંદિર પરિસરમાં મહાદેવજીની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં હજારો ભક્તો હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા. આ પાલખીયાત્રામાં શિવજીના મુખારવિંદની પૂજા કરી પાલખીમાં બિરાજમાન કરી યાત્રા મંદિર પરીસરમાં ફરી હતી. તે સમયે જાણે સ્વયં મહાદેવ નગરચર્યા માં નીકળ્યા હોય તેવી અનુભૂતિ શિવભક્તોએ કરી હતી. આજે દિવસ દરમ્યાન એક લાખથી વધુ ભાવિકોએ શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પરિવાર સાથે તો પુર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા એ સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી દેશવાસીઓના કલ્યાણ અર્થે પૂજા અર્ચના કરી હતી.
આજે શ્રાવણના પ્રથમ સોમવાર ની સંધ્યાએ સોમનાથ મહાદેવ ને વિશેષ બિલ્વપત્રનો શૃંગાર કરવામાં આવ્યો હતો. બિલ્વપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય હોવાથી બીલીપત્ર અર્પણ કરવાથી ભક્તોને ત્રણ જન્મ ના પાપમાંથી મુક્તિ મળે છે. બિલ્વપત્ર ને ત્રિદેવ નુ પ્રતિક માનવામાં આવે છે. તેના ત્રણ પર્ણમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નું પ્રતિનિધિત્વ કરે છે. તેના દર્શન અને સ્પર્શથી મન શાંત થાય છે. શૃંગારમાં બિલ્વપત્ર, ચંદન, ભસ્મ અને પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી ઓ દ્વારા ત્રણ કલાકના પરિશ્રમ થકી સોમનાથ મહાદેવને બિલ્વપત્રનો અલોકીક શૃંગાર કરવામાં આવ્યો હતો.
શ્રાવણ માસના પ્રથમ દિવસે ભાવિકો દ્વારા ચડાવતી ધ્વજા ના તમામ રેકર્ડ તૂટ્યા છે. મહાદેવની ધ્વજા પૂજા અત્યાર સુધીના તમામ વિક્રમ પાર કરીને આજે એક જ દિવસમાં 70 જેટલી ધ્વજા પૂજા ભાવિકો દ્વારા નોંધાતા ક્રમશ: તમામ ધ્વજાઓ મંદિરના શિખર ઉપર ફરકી હતી. મહાદેવની ધ્વજા પૂજા દાયકાઓથી શ્રદ્ધાળુઓમાં પરમ આસ્થાનું કેન્દ્ર રહી હોવાથી આ વર્ષે ધ્વજા પૂજા માટે ખાસ વ્યવસ્થા ઓ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે.
આ ઉપરાંત મહાદેવની પૂજા માટે મહત્વની એવી સોમેશ્વર મહાપૂજા પણ 69 જેટલા ભાવિકો દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત 1007 જેટલા રૂૂદ્રાભિષેક પાઠ કરવામા આવેલ હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવેલ છે.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે. જેમાં આસપાસ અને ગામમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો પગપાળા મંદિરે પહોંચતા જોવા મળ્યા હતા. તો કાવડિયાઓ હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈને ભગવાન શિવને જળ ચઢાવવા પહોંચેલ હતા. તમામે ગંગાજળ ચઢાવ્યા બાદ આસ્થાભેર દર્શન કરી ભાવવિભોર બની ગયા હતા.
શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં કોળી સમાજના અગ્રણી એવા રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા નિ:શુલ્ક ફરાળ પ્રસાદનું વિતરણ ભંડારા શરૂૂ કરેલ હતા. જેનો મોટી સંખ્યામાં ભાવિકો એ લ્હાવો લઈ રહ્યા હતા.