દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 83.48 ટકા ઉજળું પરિણામ: ગત વર્ષ કરતા વધારો
- 208 વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-1 ગ્રેડ -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025 માસમાં લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષાના આજરોજ જાહેર થયેલા રીઝલ્ટમાં સમગ્ર રાજ્યના 83.08% સાથે દ્વારકા જિલ્લાનું પણ નોંધપાત્ર 83.48 % રિઝલ્ટ આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 ના 67.29% અને વર્ષ 2024 ના 79.90% રીઝલ્ટ માં ઉતરોતર વધારા સાથે જિલ્લાનું 83 48% પરિણામ જાહેર થયું છે.
ધોરણ 10 માં નોંધાયેલા કુલ 7956 વિદ્યાર્થીઓ પૈકી 208 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે 983 વિદ્યાર્થીઓએ એ-2, 1490 વિદ્યાર્થીઓએ બી-1, 1780 વિદ્યાર્થીઓએ બી-2, 1457 વિદ્યાર્થીઓએ સી-1, 590 વિદ્યાર્થીઓએ સી-2 અને 39 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે.
આ સાથે ગત વર્ષે જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી 19 શાળાઓની સંખ્યા સામે આ વખતે 6 નો વધારો થતાં જિલ્લાની 25 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે એક શાળાનું પરિણામ 0% આવ્યું છે.
ખંભાળિયા તાલુકાના નોંધાયેલા કુલ 2953 પૈકી 85.37 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ગત વર્ષે આ ટકાવારી 748 ની હતી. આ સાથે ભાણવડ તાલુકાનું પરિણામ 84.10 %, દ્વારકા તાલુકાનું પરિણામ 74.93%, રાવલનું પરિણામ ગત વર્ષના 88.75% ની સાપેક્ષમાં 14.40% જેટલા ઘટાડા સાથે 74.35%, મીઠાપુરનું પરિણામ 73.31% ભાટિયાનું પરિણામ 90.24 %, કલ્યાણપુર તાલુકાનું પરિણામ 79.81% અને નંદાણા કેન્દ્રનું પરિણામ 92.65 % આવ્યું છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જિલ્લાનું કુલ સરેરાશ પરિણામ ચાર ટકા જેટલું ઊંચું તેમજ 100% પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં પણ 6 નો વધારો થતા આ ઉજવળ પરિણામ બદલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણવિદોને જિલ્લા શિક્ષણ તંત્ર તેમજ જિલ્લા કલેકટર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.