ગ્રામ પંચાયતોની 8207 બેઠકો OBC અનામત
4861 બેઠક અનુ.જાતિ અને 10240 બેઠકો અનુ.જનજાતિ માટે અનામત: ચૂંટણીપંચે જાહેર કર્યુ રોટેશન
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આખરે અનામત બેઠકોની યાદી જાહેર કરી છે. ગ્રામ પંચાયતોની 8 હજાર 207 બેઠકો ઓબીસી અનામત જાહેર કરાઈ છે. રાજ્ય ચૂંટણીપંચે ગત સપ્તાહે એક સાથે આઠ હજારથી વધુ પંચાયતોની ચૂંટણી જાહેર કરી હતી. ગુજરાતમાં ઓબીસી અનામતની 27 ટકા બેઠકોનો નિયમ જાહેર થયા બાદ યોજાઈ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સોમવારે ચૂંટણીપંચે અનામત બેઠકોની યાદી જાહેર કરી હતી.
ચૂંટણીપંચ મુજબ અલગ-અલગ વોર્ડની 43 હજાર 607 બેઠકો પૈકી 8 હજાર 207 બેઠક ઓબસી વર્ગ માટે અનામત રહેશે તો 4 હજાર 861 બેઠક અનુસૂચિત જાતિ અને 10 હજાર 240 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેશે. બિન અનામત વર્ગોની કુલ બેઠકો 20 હજાર 999 રહેશે.
આ ઉપરાંત સરપંચોની 4 હજાર 968 પૈકી 1047 બેઠક ઓબીસી અનામત રહેશે તો અનુસૂચિત જાતિ માટે 368 અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 1060 બેઠકો અનામત રહેશે. બિન અનામત સામાન્ય વર્ગના સરપંચ પદના ઉમેદવારો માટે 2 હજાર 493 બેઠકો અનામત રહેશે. આ જોતા સામાન્ય ચૂંટણી હેઠળ જનારી 3 હજાર 710 ગ્રામ પંચાયત, વિભાજન બાદ ચૂંટણી હેઠળ જનારી 802 તથા મધ્યસત્ર ચૂંટણી હેઠળ 52 ઉપરાંત પેટાચૂંટણી હેઠળ જનારી 3 હજાર 531 હેઠકો માટે અલગ-અલગ રીતે અનામત કેટેગરી અનુસારની બેઠકોની સંખ્યા જાહેર કરાઈ છે.
ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂૂઆત થઈ છે.
સરપંચ અને ગ્રામ્ય પંચાયતના સભ્યો માટે નવ જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10 મીએ જૂને ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન છે. રાજ્યની 8 હજાર 326 ગ્રામ પંચાયતની ચૂંટણી પર 22 જૂને મતદાન થશે. જ્યારે 25 જૂને મતગણતરી હાથ ધરાશે. સરપંચ બેઠકની સામાન્ય કેટેગરી માટે 2 હજાર રૂૂપિયા ડિપોઝિટ અને અનામત કેટેગરી માટે એક હજાર ડિપોઝિટ પેટે ભરવાના રહેશે. તેમજ વોર્ડના સભ્યની સામાન્ય કેટેગરી માટે 1 હજાર ડિપોઝિટ અને અનામત કેટેગરી માટે 500 રૂૂપિયા ડિપોઝિટ પેટે ભરવાના રહેશે. ઉમેદવારી ફોર્મ જે તે તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે સવારે 11:00 વાગ્યાથી બપોરે 03:00 વાગ્યા સુધી ભરી શકાશે. હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો અને હલચલ પણ જોવા મળી રહી છે.