81% બાળકોને જમતી વખતે મોબાઇલ જોવાનું વળગણ
શરીર મન પર ગંભીર અસરો છતા વાલીઓ મજબૂર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સરવેમાં ખુલાસો
આજના આધુનિક યુગમાં બાળકોને જમતી વખતે મોબાઈલ પર કાર્ટૂન દેખાડવાની આદત વ્યાપક બની ગઈ છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ અને ધારા દોશીના માર્ગદર્શનમાં ગોંડલિયા હર્ષા અને વરુ જીજ્ઞાએ 940 બાળકો પર અભ્યાસ કરી સર્વેક્ષણ કર્યો.
આ સર્વેક્ષણ મુજબ નિષ્ણાત જણાવે છે કે, બાળકોને જમતી વખતે મોબાઈલ કાર્ટૂન દેખાડવાની આદત તાત્કાલિક બંધ કરવી જોઈએ. તેના બદલે, માતા-પિતાએ બાળકો સાથે બેસીને વાતચીત કરવી જોઈએ, તેમને ભોજનનું મહત્ત્વ સમજાવવું જોઈએ અને જમતી વખતે સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવું જોઈએ. ઘણીવાર, માતા-પિતા બાળકોને ખવડાવતી વખતે શરૂૂઆતમાં મોબાઈલ ફોન પર ગીતો કે કાર્ટૂન વગાડે છે, પરંતુ ધીમે ધીમે આ બાળકોની આદત બની જાય છે અને એક સમય એવો આવે છે જ્યારે બાળક મોબાઈલ વગર કંઈ ખાતું કે પીતું નથી. જમતી વખતે મોબાઈલ પર કાર્ટૂન જોવાથી બાળકોને ઘણા નુકસાન થઈ શકે છે, જે તેમના શારીરિક અને માનસિક વિકાસ પર નકારાત્મક અસર કરે છે.
બાળક વધુ પડતું જમી લે છે, પાચન પ્રક્રિયા પ્રભાવિત થાય છે જ્યારે બાળક કાર્ટૂન જોવામાં વ્યસ્ત હોય છે, ત્યારે તે ખોરાક પર ધ્યાન આપી શકતું નથી. તે ખોરાકનો સ્વાદ, સુગંધ કે પોત અનુભવી શકતું નથી. આનાથી તે યાંત્રિક રીતે જમતું હોય છે અને કેટલી માત્રામાં ખોરાક લીધો છે તેનો ખ્યાલ રહેતો નથી. પરિણામે, તે ઓવરઈટિંગ કરી શકે છે અથવા પૂરતું ન ખાઈ શકે. લાંબા ગાળે, આ અયોગ્ય ભોજનની આદતો તરફ દોરી જાય છે, જે સ્થૂળતા અથવા કુપોષણ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. ખોરાક પર ધ્યાન ન આપવાથી પાચન પ્રક્રિયા પણ પ્રભાવિત થાય છે.
બાળકોની આંખો અને મગજ પર નકારાત્મક અસર કરે છે મોબાઈલ ફોનમાંથી નીકળતો વાદળી પ્રકાશ (બ્લૂ લાઈટ) બાળકની આંખો માટે અત્યંત હાનિકારક છે, જેનાથી આંખો નબળી પડી શકે છે અને નાની ઉંમરે ચશ્માના નંબર આવી શકે છે. વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકના મગજના વિકાસ પર પણ નકારાત્મક અસર કરે છે. તે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટાડે છે અને ચીડિયાપણું, ચિંતા અને ઊંઘની સમસ્યાઓ તરફ દોરી શકે છે.