રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રિંગ રોડ-2 ફોરલેન બનાવવા 80 કરોડના ખર્ચને મંજૂરી

06:28 PM Oct 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કામ આગળ ધપાવવા ચેરમેન ડીપી દેસાઈએ ટેન્ડર પ્રસિદ્ધ કરાવ્યું

રાજકોટ શહેરની વસ્તી અને વ્યાપ વધવાની સાથો સાથ છેવાડાના ગામોનો રાજકોટમાં સમાવેશ થતાં હવે મુખ્ય રસ્તાઓ સાંકળા પડવા લાગ્યા છે. વર્ષો પહેલા 150 ફૂટ રીંગ રોડ બનાવવામાં આવેલ પરંતુ હવે તેના ઉપર ભારણ વધતા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા હવે રિંગરોડ-2 ને ફોરલેન બનાવવા માટે 80 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. મનપાના કમિશનર ડી.પી. દેસાઈએ રૂડાના કામો હાથ ઉપર લઈ ઝડપથી પૂર્ણ કરવાની કટિબદ્ધતા સાથે તંત્રને દોડતું કર્યુ છે.

શહેરના મધ્યમાંથી પસાર થતાં 150 ફૂટ રીંગ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ વધતા તેમજ છેવાડાના વિસ્તારો દિવસે દિવસે વધવા લાગતા રિંગરોડ-2 તૈયાર કરવામાં આવ્યો છે. ફેઝ-1, ફેઝ-2 અને 3ના કામ પૂર્ણ થઈ ચુક્યા છે તેમજ ફેઝ-4નું કામ પણ પુરજોશમાં ચાલુ છે. પરંતુ આ રોડ ભંગાર હાલતમાં અને સિંગલલેન હોવાના કારણે ગોંડલ રોડથી જામનગર રોડ તરફનો ટ્રાફિક આ રોડ ઉપર વળતા અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. અગાઉ આ રોડ ફોરલેન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રૂડાના ચેરમેનોની અવાર નવાર બદલી થતાં તેમજ સ્ટાફના અભાવે આજ સુધી કાર્યવાહી થઈ શકી ન હતીં.. જ્યારે મહાનગરપાલિકાની હદમાં આવતા રીંગરોડ-2ને અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં ફોરલેન કરવામાં આવ્યો છે.

અને રૂડા દ્વારા થતી કામગીરી આજ સુધી બાકી હતી. ત્યારે નવા ચેરમેન ડી.પી. દેસાઈએ પેન્ડીંગ રહેલા કામોની ફાઈલો ઉપરથી ધૂળ ખંખેરી લોકોને જરૂરી હોય તેવા પ્રોજેક્ટો તુરંત હાથ લેવા માટેની સુચનાઓ આપી હતી. જે અંતર્ગત સૌ પ્રથમ રીંગરોડ-2ને ફોરલેન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ચેરમેન ડી.પી. દેસાઈના જણાવ્યા મુજબ લોકોને આવાસ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ તેમજ સામાજીક અને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તેવા આશયથી તેને લગતા પ્રોજેક્ટોને હાથ ઉપર લેવામાં આવ્યા છે. અને હવે રીંગરોડ-2ને ફોરલેન બનાવવા માટે રૂા. 80 કરોડનો ખર્ચ કરવામાં આવશે તેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવેલ કે, ઔડામાં જે રીતે વિકાસ થયો છે. તે રીતે રૂડાના વિસ્તારોમાં પણ વિકાસ કરવામાં આવશે. જેમાં પ્રાથમિક ધોરણે પીવાનું પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ, ભૂગર્ભને અગ્રતા આપવામાં આવશે. હાલ અનેક પ્રોજેક્ટ ઉપર કામગીરી ચાલુ છે. પરંતુ શહેરી વિકાસ સત્તા મંડળ પાસે સ્ટાફ ઓછો હોવાના કારણે કામગીરી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. છતાં માળખાકીય સુવિધાઓ પુરી પાડવા માટે હવે જરૂરી તમામ પ્રોજેક્ટોના ટેન્ડર કરવામાં આવશે. તેમજ ટેન્ડર પૂર્ણ થયા બાદ રીંગરોડ-2 ફોરલેન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.

અનેક નવી ટીપી સ્કીમો તૈયાર થશે: રૂડા ચેરમેન
શહેરી વિકાસ સત્તામંડળના બાકી રહેલા કામો હાથ ઉપર લઈ ચેરમેન ડી.પી. દેસાઈએ જણાવ્યું હતું કે, રીંગરોડ-2ને ફોરલેન કરવા ઉપરાંત રોડની બન્ને સાઈડ આવતા વિસ્તારોની ટીપી સ્કીમો બનાવવાની હવે જરૂરિયાત ઉભી થઈ છે. લોકોને આંતરકીય માળખાની સુવિધાઓ આપવા માટે તેમજ રોડ-રસ્તાઓ કાઢવા માટે ટીપી ડ્રાફ્ટ બનાવવો પડે તેમ છે. આથી નવી ટીપી સ્કીમોના ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ખાનગી એજન્સીઓને તૈયાર કરવામાં આવશે. તેમના દ્વારા ટીપી સ્કીમ તૈયાર થયા બાદ રૂડાના અધિકારીઓ દ્વારા તેનો અભ્યાસ કરી આ ટીપી સ્કીમોને સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવશે. આ તમામ કાર્યવાહી ટુંક સમયમાં શરૂ કરવામાં આવસે તેમ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં રૂડાની માત્ર 4 ટીપી સ્કીમ તૈયાર કરવામાં આવી છે. હાલ એક પણ યોજના ચાલુ નથી ત્યારે એકી સાથે વધુમાં વધુ ટીપી સ્કીમ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એજન્સીઓને કામ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsrajkot newsring road-2 forelane
Advertisement
Next Article
Advertisement