સાત વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારનાર દીપડાને પકડવા 8 પાંજરા ગોઠવાયા છતાં તંત્ર નિષ્ફળ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં દીપડાના વધતા આતંકે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. ત્રણ દિવસ પહેલા વાડી વિસ્તારમાં 7 વર્ષની ચત્રુપા જોધુભાઈ બાંભણીયા નામની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકીના માતા-પિતા કપાસ વીણીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. દીપડાએ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકીને તાત્કાલિક જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ગળાના ભાગે ગંભીર ઈજાઓને કારણે તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. વન વિભાગે દીપડાને પકડવા માટે વિસ્તારમાં 8 પાંજરા ગોઠવ્યા છે અને એનિમલ ડોક્ટરની ટીમને પણ કામે લગાડી છે. વન વિભાગની અલગ-અલગ 7 ટીમો રાત-દિવસ દીપડાને શોધવાની કવાયતમાં લાગી છે. ત્રણ દિવસથી વન વિભાગના કર્મચારીઓ રાતવાસો કરી રહ્યા છે અને દીપડાનું લોકેશન મેળવવા સતત પ્રયાસ કરી રહ્યા છે. આટલા પ્રયાસો છતાં દીપડો હજુ સુધી પકડાયો નથી, જેના કારણે વિભાગની ચિંતામાં વધારો થયો છે અને ગ્રામજનોમાં ભયનો માહોલ યથાવત છે.