ગોંડલના વેપારી પાસે મેથી-ધાણા મગાવી 8.43 લાખની છેતરપિંડી
ગોંડલના વેપારી સાથે મુંબઈના બે શખ્સોએ રૂા.8.43 લાખના ધાણા અને મેથી મંગાવી છેતરપીંડી કરતાં આ મામલે બન્ને શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવા માટે એક ટીમ ગોંડલથી મહારાષ્ટ્ર રવાના કરી છે.
મળતી વિગતો મુજબ મુળ ટંકારા તાલુકાના જડેશ્ર્વર કોઠારીયાના વતની અને હાલ ગોંડલના રસિકભુવન મંદિર પાસે મહાદેવ વાડીમાં રહેતા જયરાજસિંહ નિર્મળસિંહ ઝાલા (ઉ.37)એ નોંધાવેલી ફરિયાદમાં મુંબઈનાં શાંતાક્રુઝ વેસ્ટ પાસે બાલાજી દર્શન એપાર્ટમેન્ટ ત્રીજા માળે ઓફિસ ધરાવતાં નિતીન સુરેશચંદ્ર રેવાવાળા અને કાંદીવલી વેસ્ટ એકતાનગર સપ્તઋષિ એપાર્ટમેન્ટ બિલ્ડીંગ નં.55 રહેતા સચિન કાંતિલાલ આહુજાનું નામ આપ્યું છે. જયરાજસિંહએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગોંડલમાં અદિતી એક્ષપોર્ટ નામની પેઢી ધરાવતાં હોય મુંબઈના નિતીન અને સચિન બન્ને એચ.યુ.એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતાં હોય નિતીન અને સચિને જયરાજસિંહ પાસેથી 11.97 લાખની કિંમતનો મેથી અને ધાણાનો જથ્થા મંગાવ્યો હતો. જેમાં રૂા.3.54 લાખનું આરટીજીએસ મારફતે પેમેન્ટ આપ્યું હતું.
બાકીનું 8.43 લાખનું પેમેન્ટનું ચુકવણુ નહીં કરી અને ફોન બંધ કરફી દીધા હતાં. આ બાબતે જયરાજસિંહએ બન્ને સામે ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદન નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
ધોરાજીના યુવાન સાથે લોનની લાલચ આપી 9 હજારની છેતરપિંડી
ધોરાજીમાં રહેતા જુસબભાઈ ભીખાભાઈ સેલોત નામના યુવાનને લોનની લાલચ આપી નવ હજારની છેતરપીંડી કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે. જુસબ સેલોતને અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને લોન અપાવવાની વાત કરી હતી. તેમજ ફોન કરનારે જુસબભાઈ પાસેથી લોન માટે ડોકયુમેન્ટ મંગાવ્યા હતાં અને પ્રોસેસ ફીના નામે રૂા.9920 ગુગલપેથી મંગાવી અને બાદમાં ફોન સ્વિચઓફ કરી દેતાં આ મામલે ધોરાજીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.