ઉપલેટામાં દોઢ લાખનું રૂા.70 હજાર વ્યાજ ચૂકવ્યું છતાં 4.50 લાખની કાર પડાવી લીધી
જેતપુરમાં વાહનના ધંધાર્થીએ 4 લાખનું 3.50 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી
રાજ્યમાં વ્યાજખોરોને નાબુદ કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લામાં ઉપલેટા અને જેતપુરમાં વધુ ત્રણ વ્યાજખોરો સામે વગર લાયસન્સે ધીરધારનો ધંધો કરી તગડુ વ્યાજ પડાવી ધમકી આપવા અંગેનો ગુનો નોંધાયો છે.
ઉપલેટાના પંચહાટડી ચોકમાં રહેતા જૂના કાપડના વેપારી રેનિશ હુસેનભાઈ પઠાણ ઉ.વ.29એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જયદીપ ભૂપતભાઈ માકડનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને જૂના કપડાના ધંધામાં નુક્શાની જતાં પોતાની 4.50 લાખની કાર ગીરવે મુકી દોઢ લાખ વ્યાજે લીધા હતા જેનું દરરોજ 1000નો હપ્તો ચુકવવાનું નક્કી કર્યુ હતું.
વેપારીએ વ્યાજે લીધેલા નાણા પેટે 70 હજાર ચુકવી દીધા હતા આમ છતાં વ્યાજખોરે બે કોરા ચેક લઈ 1.15 લાખની પઠાણી ઉઘરાણી કરી ગીરવે મુકેલી કાર પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી ઘટનામાં જેતપુર નવાગઢમાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા મુકેશ શામતભાઈ ઠાકોર ઉ.વ.30એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વ્યાજના ધંધાર્થી કિર્તિરાજસિંહ સજુભા ગોલિહ અને વિશ્ર્વરાજસિંહ ગોહિલનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કોરોના બાદ ફરિયાદીને ધંધાના કામે પૈસાની જરૂરિયાત ઉભી થતાં કટકે કટકે વ્યાજના ધંધાર્થી કિર્તિરાજ પાસેથી 10 ટકાના વ્યાજે 4 લાખ લીધા હતા. જે પેટે 3.50 લાખ ચુકવી દીધા હોવા છતાં ફરિયાદીનું બુલેટ પડાવી લઈ બાકી રહેતી રકમની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.