પોલીસમેન ઉપર જીવલેણ હુમલો કરનાર બે શખ્સને 7 વર્ષની જેલ
શહેરમાં દસ વર્ષ પૂર્વે માથાભારે શખ્સોથી ભાણેજને બચાવવા વચ્ચે પડેલા પોલીસ મેન ઉપર જીવલેણ હુમલો કરનાર ચાર શખ્સોમાથી બે શખ્સને કોર્ટે સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં દાસી જીવણપરામાં તા.27/08/2013 ના રોજ પોતાના મામાના ઘરે આવેલી યુવતિની રાત્રિના સમયે કૃષ્ણ ઉત્સવના ડાયરા દરમીયાન વિશાલ જયેશભાઈ વાઘેલા, પ્રદિપ ઉર્ફે પીન્ટુ વાથેલા, મુકેશ કાતિભાઈ મકવાણા અને નિતીન ખીમજીભાઈ સારેશા મશ્કરી કરી રહ્યા હતા.
આ બનાવ જોતા ટ્રાફીક પોલીસ તરીકે ફરજ બજાવી રહેલ દિપકભાઈ મુળજીભાઈ પરમાર પોતાની ભાણેજને બચાવવા માટે વચ્ચે પડતા ચારેય શખ્સોએ પોલીસમેન દિપકભાઈ પરમાર ઉપર પાઈપ અને ધોકાથી હુમલો કરી માર માર્યો હતો. ત્યારબાદ વિશાલ વાઘેલાએ પોતાની કાર દિપકભાઈ ઉપર ફેરવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે ચારેય આરોપી વિરુદ્ધ પોલીસ દફતરે ગુનો નોંધાતા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલ ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ સેશન્સ જજ વી.કે. ભટ્ટે ફરીયાદી ઉપર ગાડી ચલાવનાર વિશાલ જયેશભાઈ વાઘેલા અને બેઝ બોલના ધોકાથી ફરીયાદીના માથા પર ગભીર ઈજા પહોચાડનાર પ્રદિપ ઉર્ફે પીન્ટ વાઘેલાને તકસીરવાન ઠેરવી સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ.50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સજયભાઈ કે. વોરા રોકાયા હતા.