રાષ્ટ્રીય પક્ષી મોરના વીજ કરંટથી મોત મામલે પુરાવાનો નાસ કરનાર પવનચક્કીની કંપનીના 7 કર્મી ઝડપાયા
ચોટીલાના વડાળી અને ભેટસુડા ગામ રાષ્ટ્રીય પક્ષી મોર વીજ કરંટથી મૃત્યુ પામતા હોવાના દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા હતા. ત્યારે પવનચક્કી કંપનીના કર્મચારીઓ દ્વારા પુરાવાનો નાશ કરતા વન વિભાગ દ્વારા તેની તપાસ હાથ ધરી હતી. તેમાં વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પવનચક્કીના 7 કર્મચારીની અટકાયત કરવામાં આવી હતી. તેને વન વિભાગ દ્વારા કોર્ટમાં હાજર કરી રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ ના મંજૂર કરતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.ચોટીલાના વડાળી અને ભેટસુડા ગામે 1 માસમાં 6 રાષ્ટ્રીય પક્ષી મોરના વીજ કરંટ લાગતા મૃત્યુ થયા હતા.
જેના અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાયા હતા. ત્યારબાદ વડાળી ગામ લોકો દ્વારા ચોટીલા નાયબ કલેક્ટર, ચોટીલા મામલતદાર, નાની મોલડી પોલીસ સ્ટેશન અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. તેમાં વનવિભાગ દ્વારા વડાળી ગામે રાષ્ટ્રીય પક્ષી માદા મોરને પવનચક્કીની 33 કેવી લાઇનમાં વીજ કરંટ લાગતા મૃત્યુ થતાં તેનું ચોટીલા પશુ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું, તેમાં વીજકરંટથી મોરની મોત થઈ હોવાનું સામે આવ્યું હતું.વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપનીના 33 કેવી વીજવાયરમાં મોરનું મૃત્યું થવાનું માલૂમ પડ્યું હતું. કંપની કર્મચારીઓએ પૂરાવા નાશ કરવાના પ્રયત્ન પણ કર્યા હોવાનું માલૂમ પડ્યું હતું. પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ અટકાયત કરવામાં આવી હતી.
વન વિભાગે અટકાયત કરેલા કર્મચારીઓ
કેશવાલા નાગાજણ દુલા રહે. રંઘોળિયા જિલ્લો પોરબંદર
પરમાર વિષ્ણુ તેજાભાઈ રહે. જેતપુર જિલ્લો રાજકોટ
ખાટરીયા રાજેશભાઈ લાભુભાઈ રહે. વડાળી તાલુકો ચોટીલા
બારીયા રાકેશ રણજીતભાઈ રહે. માતરીયા જિલ્લો પંચમહાલ
મેતા રાહુલભાઈ જેસીંગભાઇ રહે. વડાળી તાલુકો ચોટીલા
પગી લાલાભાઇ રહે. પાદરીડી જિલ્લો પંચમહાલ
પગી રાજેશ લક્ષ્મણસિંહ રહે. માતરીયા જિલ્લો પંચમહાલ.