દક્ષિણ ગુજરાતમાં વધુ 7 ઈંચ: સૌરાષ્ટ્રમાં વિરામ
ડોલવાન 7, ડાંગ, નવસારી 6॥, ઉચ્છલ-મહુવા 6, જલાલપોર-ગણદેેવીમાં 5 ઈંચ મુશળધાર
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગઈકાલે પણ ફરી વખત દક્ષિણ ગુજરાતને ફરી વખત ઘમરોળી નાખી તાપી અને ડાંગ જિલ્લામાં બેથી 7 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેમાં ડોલવાનમાં 7 ઈંચ, સુબિર 6॥, નવસારી-ઉચ્છલ 6 ઈંચ, મહુવા-જલાલપુર, ગણદેવીમાં 5 ઈંચ અને વાલોદ, વ્યારા, આહવા, ધરમપુર અને કપરાડામાં 2થી 4 ઈંચ વરસાદ વરસી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે સૌરાષ્ટ્રમાં આજે વરસાદે વિરામ લેતા અમુક તાલુકાઓમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં આજે વધુ 2 જિલ્લાઓમાં 2થી 7 ઈંચ વરસાદ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જેમાં તાપી જિલ્લાના ડોલવાનમાં 7 ઈંચ તેમજ ડાંગના સુબિર અને નવસારીમાં 6॥ ઈંચ પાણી વરસી જતાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. જ્યારે સુરતના મહુવા, જલાલપોર, ગણદેવી, વાલોદ, સોનગઢ, વ્યારા, વનસાડા, વઘોઈ, આહવા, ધરમપુર, કપરાડા, ઝાલોદ, ચીખલી, ખેરગામ, વલસાડ, વાપી, પારડી, દાહોદ, જેતપુર પાવી, સહિતના પંથકમાં બેથી 5 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. જેના લીધે અનેક જળાશયોમાં નવાનીરની આવક નોંધાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સતત પાંચમાં દિવસે ભારે વરસાદ પડતા નદીઓ ગાંડીતુર બની હતી. તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રેસ્ક્યુ સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે 2થી 7 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. જેની સામે સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા વરસાદે આજે વિરામ લીધો હોય તેમ અમુક જિલ્લાઓમાં પાંચ મીમી જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેતા અનેક તાલુકાઓમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ હોય બે દિવસ ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. આજે સવારથી સમગ્ર ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો છવાયેલા હોય 24 કલાકમાં વધુ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.