65 ટકા મહિલાઓ એનિમિયા પીડિત, 40.8 ટકા બાળકો ઠીંગણા
સમૃદ્ધ ગુજરાત તંદુરસ્તીમાં યુ.પી. - પશ્ર્ચિમ બંગાળ કરતા પણ પાછળ
રાજ્યમાં 21 ટકા બાળકો કુપોષિત અને 7.8 ટકા બાળકોમાં દુબળાપણું
ગુજરાત દેશના સમૃદ્ધ રાજ્યોમાં ગણાતું હોવા છતાં મહિલાઓ અને બાળકોની શારીરિક તંદુરસ્તીમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણું પાછળ છે. સરકારની અનેક પોષણ યોજનાઓનો દાવો છતાં ગુજરાતમાં 65 ટકા મહિલાઓ એનીમિયાથી પીડિત છે તો 21 ટકા બાળકો ઓછા વજન (કુપોષણ)ના હોવાનું નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં બહાર આવ્યું છે. ગુજરાતના 40.8 ટકા બાળકોમાં ઠીંગણાપણું અને 7.8 ટકા બાળકોમાં દૂબળાપણું પણ જોવા મળ્યું છે.
ગુજરાતમાં મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય મોટા વર્ગમાં ચિંતાકારક છે. વર્ષ 2019થી 2021ના સમયગાળા દરમિયાનના એનએફએચએસના સર્વે મુજબ દેશમાં 15થી 49 વર્ષ સુધીની 18.7 ટકા મહિલાનો બીએમઆઇ (બોડી માસ ઇન્ડેક્સ) સામાન્યથી ઓછો હતો. જ્યારે સરેરાશ 57 ટકા મહિલા દેશમાં એનીમિયાથી પીડિત છે. જો કે ગુજરાતમાં આ દર સરેરાશ કરતા પણ વધુ એટલે કે 65 ટકા છે.
2021ના વર્ષમાં વિશ્વ બેન્ક દ્વારા પણ ગુજરાત સહિત દેશના 11 એવા રાજ્યોનો સર્વે કરાયો હતો જ્યાં એનીમિયા અને ઠિંગણાપણાનું દર વધુ હતું. દેશના કેટલાક અન્ય રાજ્યોમાં સ્થિતિ વધુ સારી છે.